લોર્ડ્સમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે સિરીઝમાં 1-2 થી પાછળ છે. રવિન્દ્ર જાડેજાના ઘણાં સારા પ્રયાસો છતાં ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ જીતી શકી નથી. હવે આગામી મેચ ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે.


આ ઈંગ્લેન્ડનું એ મેદાન છે જે ટીમ ઈન્ડિયાને બિલકુલ પસંદ નથી. ભારત આજ સુધી આ મેદાન પર એક પણ ટેસ્ટ જીતી શક્યું નથી. ઓલ્ડ ટ્રેફોર્ડનો શરમજનક રેકોર્ડ જોઈને ભારતીય ફેન્સને ડર છે કે ચોથી ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડની ટીમ સિરીઝ જીતી લેશે.

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરમજનક રેકોર્ડ

ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં કુલ 9 વખત ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર વ્હાઈટ જર્સી પહેરીને રમી છે. આ 9 મેચમાંથી ભારતીય ટીમ ચાર મેચ હારી ગઈ છે, જ્યારે 5 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી. એટલે કે જો શુભમન ગિલની યુવા બ્રિગેડને સિરીઝ 2-2 થી બરાબર કરવી હોય, તો ટીમને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે એજબેસ્ટન રમત બતાવવી પડશે. કેપ્ટન ગિલે પોતે ભારતીય ટીમને જીત અપાવવાની જવાબદારી લેવી પડશે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ગિલનું બેટ સંપૂર્ણપણે શાંત હતું.


ઓછા રનથી ટીમ ઈન્ડિયાની મળી હાર

લોર્ડ્સના મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે મળીને ટીમની હાર ટાળવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા 181 બોલનો સામનો કર્યા પછી 61 રન બનાવીને અણનમ રહ્યો. જસપ્રીત બુમરાહ 54 બોલ રમ્યો અને મોહમ્મદ સિરાજ 30 બોલ રમ્યો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું હતું, જ્યારે હેડિંગ્લીમાં યજમાન ટીમે જીત મેળવી હતી.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ. 

  • Follow us on: