ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝનો અંત 2-2 થી કરવા માગશે. પરંતુ ભારતીય ટીમ માટે તે એટલું સરળ રહેશે નહીં.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ સિરીઝમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમની બોલિંગ અત્યાર સુધી એટલી સારી રહી નથી. પાંચમી ટેસ્ટ પહેલા સૌથી મોટો સવાલ એ છે કે જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટ મેચ રમશે કે નહીં.
જસપ્રીત બુમરાહ વિશે સિતાશુ કોટકે શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પાંચમી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહના રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે. 29 જુલાઈના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોટકે કહ્યું કે જસપ્રીત બુમરાહના રમવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. તે સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ અમે ટૂંક સમયમાં તેના વર્કલોડ અંગે નિર્ણય લઈશું. તે આ મેચમાં રમશે કે નહીં તે કોચ અને કેપ્ટન મેચ પહેલા મળીને નક્કી કરશે.
જસપ્રીત બુમરાહે સિરીઝમાં રમી છે 3 મેચ
ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે કહ્યું હતું કે વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત 3 ટેસ્ટ મેચ રમશે. તેને આ સિરીઝમાં 3 મેચ રમી છે. જસપ્રીત બુમરાહ બર્મિંગહામમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો. જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પછી બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બેન સ્ટોક્સે આ જસપ્રીતમાં 17 વિકેટ લીધી છે, જ્યારે જસપ્રીત બુમરાહ 14 વિકેટ લઈ ચૂક્યો છે.
જસપ્રીત બુમરાહ પાસે બે રેકોર્ડ તોડવાની તક
જો જસપ્રીત બુમરાહ છેલ્લી મેચમાં રમે છે, તો તેની પાસે એક મોટો રેકોર્ડ તોડવાની તક હશે. તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બની શકે છે. હાલમાં આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માના નામે છે, તેને ત્યાં 15 મેચમાં 51 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડમાં 12 મેચમાં 51 વિકેટ લીધી છે, જસપ્રીત બુમરાહ પાસે ઈશાંત શર્માને પાછળ છોડી દેવા માટે ફક્ત એક વિકેટની જરૂર છે. જો જસપ્રીત બુમરાહ 3 વિકેટ લે છે, તો તે વસીમ અકરમને પાછળ છોડી દેશે અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં સૌથી સફળ એશિયન બોલર બની જશે. વસીમ અકરમે ઈંગ્લેન્ડમાં 53 વિકેટ લીધી હતી.