ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટ મેચના ચોથા દિવસે જો રૂટે શાનદાર સદી ફટકારી. આ ટેસ્ટ સિરીઝમાં જો રૂટે બેટથી ધૂમ મચાવી છે, જેમાં તે રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ભારતીય કેપ્ટન પછી બીજા ક્રમે છે.
જો રૂટે 500થી વધુ રન ફટકાર્યા છે, જેમાં 3 સદી અને 1 અડધી સદીની ઈનિંગ સામેલ થાય છે. જો રૂટે ઓવલ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને પોતાના નામે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે જેમાં તેને રિકી પોન્ટિંગ સહિત ત્રણ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.
જો રૂટ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બન્યો ખેલાડી
જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ જો રૂટની ટેસ્ટ કરિયરમાં ઘરઆંગણે 24મી સદી હતી, જેની સાથે જો રૂટે મહેલા જયવર્ધને, જેક્સ કાલિસ અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે. આ ત્રણેય દિગ્ગજ બેટ્સમેનોએ પોતાના ઘરે 23-23 સદી ફટકારી હતી. જો રૂટે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 16મી વખત ભારત સામે સદી ફટકારી છે, જેની સાથે તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સ્ટીવ સ્મિથ સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાને પહોંચી ગયો છે.
ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ખેલાડીઓ
જો રૂટ (ઈંગ્લેન્ડ) - 24 સદી
મહેલા જયવર્ધને (શ્રીલંકા) – 23 સદી
જેક્સ કાલિસ (સાઉથ આફ્રિકા) - 23 સદી
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 23 સદી
ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં કુમાર સંગાકારાને પાછળ છોડ્યો
પોતાની 39મી ટેસ્ટ સદી સાથે જો રૂટ હવે કુમાર સંગાકારાને પાછળ છોડીને ચોથા ક્રમે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. જો રૂટ હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકર, જેક્સ કાલિસ અને એકમાત્ર રિકી પોન્ટિંગથી પાછળ છે. જો રૂટ પાસે આ વર્ષના અંતમાં જ્યારે ઈંગ્લેન્ડ એશિઝ સિરીઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે ત્યારે પોન્ટિંગને પાછળ છોડી દેવાની તક હશે.
ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ
સચિન તેંડુલકર (ભારત) - 51 સદી
જેક્સ કાલિસ (સાઉથ આફ્રિકા) - 45 સદી
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 41 સદી
જો રૂટ (ઈંગ્લેન્ડ) - 39 સદી
કુમાર સંગાકારા (શ્રીલંકા) - 38 સદી