ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ ત્રીજા દિવસના છેલ્લા સેશનમાં 396 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના આધારે ટીમે ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.


ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડી જેક ક્રોલી અને બેન ડકેટે ટીમને સારી શરૂઆત આપી અને પહેલી વિકેટ માટે 50 રનની પાર્ટનરશીપ કરી અને આ સાથે બંનેએ મળીને ભારત સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો.

આ ઓપનિંગ જોડી ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ 50 થી વધુની પાર્ટનરશીપ કરનારી જોડી

બેન ડકેટ અને જેક ક્રોલીની ઓપનિંગ જોડી હવે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં 50થી વધુ રનની સૌથી વધુ ઓપનિંગ પાર્ટનરશીપ ધરાવતી જોડી બની ગઈ છે. જેક ક્રોલી અને બેન ડકેટે મળીને અત્યાર સુધીમાં ભારત સામે 9 વખત 50થી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી છે, જેમાં તેમને વેસ્ટ ઈન્ડિઝ ટીમના ગોર્ડન ગ્રીનિજ અને ડેસમંડ હેન્સની ઓપનિંગ જોડીનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમાં બંનેએ મળીને ભારત સામે ટેસ્ટમાં 8 વખત 50થી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી.

ભારત સામે ટેસ્ટમાં પચાસથી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરનાર જોડી

જેક ક્રોલી અને બેન ડકેટ (ઈંગ્લેન્ડ) - 9

ગોર્ડન ગ્રીનિજ અને ડેસમંડ હેન્સ (વેસ્ટ ઈન્ડીઝ) - 8

એલિસ્ટર કૂક અને એન્ડ્રુ સ્ટ્રોસ (ઈંગ્લેન્ડ) - 7

મેથ્યુ હેડન અને જસ્ટિન લેંગર (ઓસ્ટ્રેલિયા) - 7

બિલ લોરી અને બોબ સિમ્પસન (ઓસ્ટ્રેલિયા) - 7

જો આપણે ભારત સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં જેક ક્રોલી અને બેન ડકેટના પ્રદર્શન પર નજર કરીએ તો બેન ડકેટે 9 ઈનિંગમાં 51.33 ની એવરેજથી કુલ 462 રન બનાવ્યા હતા જ્યારે જેક ક્રોલીએ 9 ઈનિંગમાં 32.22 ની એવરેજથી 290 રન બનાવ્યા હતા. બેન ડકેટે આ સિરીઝમાં એક સદી અને ત્રણ અડધી સદીની ઈનિંગ રમી હતી, જ્યારે જેક ક્રોલીએ આ સિરીઝમાં ફક્ત ત્રણ અડધી સદીની ઈનિંગ રમી શક્યો હતો.

  • Follow us on: