લીડ્સ ટેસ્ટ હવે રોમાંચક મોડ પર આવી ગઈ છે, ટીમ ઈન્ડિયાની બીજો ઈનિંગ મેચના ચોથા દિવસના છેલ્લા સેશનમાં સમાપ્ત થઈ. ભારત તરફથી કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી, બાકીના બધા બેટ્સમેન ફ્લોપ રહ્યા. ભારતે બીજી ઈનિંગમાં 364 રન બનાવયા.
દિવસની શરૂઆતમાં ભારતીય ટીમે કેપ્ટન શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી, તે ફક્ત 8 રનના સ્કોર પર આઉટ થયો હતો. આ સમયે સ્કોર 3 વિકેટે 92 રન હતો. અહીંથી કેએલ રાહુલ અને રિષભ પંતે જવાબદારી સંભાળી અને સ્કોરને મોટા સ્કોર સુધી પહોંચાડ્યો.
કેએલ રાહુલ અને પંતે ફટકારી સદી
કેએલ રાહુલ અને પંતે ઈનિંગ્સને આગળ વધારી અને નિયમિતપણે રન બનાવતા રહ્યા. સાથે મળીને બંનેએ ચોથી વિકેટ માટે 195 રનની પાર્ટનરશિપ કરી, જેમાંથી મોટાભાગના રન પંતે બનાવ્યા કારણ કે તે ઝડપી રમી રહ્યો હતો અને કેએલ રાહુલ ધીમી ગતિએ રન બનાવીને આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન બંનેએ સદી ફટકારી.
કેએલ રાહુલે દોઢ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. પંતે આ મેચમાં પોતાની બીજી સદી ફટકારી, તે પહેલી ઈનિંગમાં પણ સદી ફટકારવામાં સફળ રહ્યો. પંત ઈંગ્લેન્ડમાં બંને ઈનિંગમાં સદી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો. આ તેના માટે એક મોટી સિદ્ધિ છે.
પંત આઉટ થતાં જ ગેમ પલટાઈ
પંત સદી ફટકાર્યા પછી આઉટ થયો, તે 118 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલ પણ 137 રન બનાવીને આઉટ થયો. કરુણ નાયરનું બેટ બીજી ઈનિંગમાં પણ શાંત રહ્યું, તે ફક્ત 20 રન બનાવીને આઉટ થયો.
નવો બોલ ટીમ ઈન્ડિયા માટે બન્યો મુશ્કેલી
ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે ઈંગ્લેન્ડે બીજો નવો બોલ લીધો . પહેલી ઈનિંગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાએ રિષભ પંતના રૂપમાં ચોથી વિકેટ 287 રન પર ગુમાવી દીધી અને નવમી વિકેટ પણ 349 રન પર પડી. જાડેજાએ ક્રીઝ પર ઉભા રહીને 24 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયા 364ના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી ટંગ અને કાર્સે 3-3 વિકેટ લીધી. બશીરે 2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે બનાવ્યા 21 રન
અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડને બેટિંગ કરવાની તક મળી અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના, ઈંગ્લેન્ડની ટીમે 21 રન બનાવ્યા. જેક ક્રોલી 12 રન અને બેન ડકેટ 9 રન સાથે ક્રીઝ પર હતા. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે વધુ 350 રનની જરૂર છે.