ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાના વતન હૈદરાબાદ પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ મોહમ્મદ સિરાજ બુધવારે પોતાના વતન હૈદરાબાદ પહોંચ્યો.


જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાજેતરમાં સમાપ્ત થયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2-2થી ડ્રો કરવામાં મોહમ્મદ સિરાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ટેસ્ટ સિરીઝમાં તેને 23 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. ઓવલમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં તેને 9 વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. તેને પાંચેય મેચ રમી અને 185.3 ઓવર બોલિંગ કરી.

કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો મોહમ્મદ સિરાજ

હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ છોડ્યા બાદ ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથેનો ફોટો શેર કર્યો. તે ટી દિલીપ સાથે મુંબઈ પહોંચ્યો. જ્યાં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. મોહમ્મદ સિરાજ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો. આ દરમિયાન સિરાજને સેલ્ફી અને ઓટોગ્રાફ માટે રિક્વેસ્ટ કરવામાં આવી, પરંતુ તે ઝડપથી કારમાં બેસી ગયો અને હૈદરાબાદ જવા માટે ફ્લાઈટ પકડવા માટે રવાના થઈ ગયો. હૈદરાબાદમાં ફેન્સ પહેલાથી જ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર હતા.


આ દરમિયાન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અમે હજુ સુધી તેમની સાથે વાત કરી નથી. અમે ચોક્કસપણે મોહમ્મદ સિરાજના સન્માન માટે કંઈક ખાસ આયોજન કરીશું. તે હવે થોડા દિવસ હૈદરાબાદમાં રહી શકે છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે તેને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં દેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું.

ઓવલ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે પહેલી ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 374 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડને 367 રનમાં ઓલઆઉટ કરીને 6 રનથી પોતાનો સૌથી નજીકનો વિજય મેળવ્યો.

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન

મોહમ્મદ સિરાજે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં બે વિકેટ લીધી હતી અને 2 થી 6 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે સાત વિકેટ લીધી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં 70 રન આપીને 6 વિકેટનો સમાવેશ થાય છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટમાં, સિરાજે પ્રથમ ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં બે વિકેટ લીધી હતી. ચોથી ટેસ્ટમાં, તે પ્રથમ ઇનિંગમાં 140 રન આપીને ફક્ત એક જ વિકેટ લઈ શક્યો હતો.

પાંચમી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે પહેલી ઈનિંગમાં 86 રન આપીને 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 104 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ઓવલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 7 વખત 4 વિકેટ લેનાર પહેલો એશિયન બોલર બન્યો છે.


  • Follow us on: