ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ સંપૂર્ણપણે પલટાઈ ગઈ. ખાસ કરીને મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ આખી દુનિયાને પોતાની બોલિંગ કુશળતા બતાવી.
ચોથા દિવસના છેલ્લા સેશન અને પાંચમી ટેસ્ટ મેચના પાંચમા દિવસના પહેલા સેશનમાં ભારતીય બોલરોએ શાનદાર કમબેક કર્યું. પરંતુ એક ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ભારતીય ટીમ પર બોલ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે.
ભારતના પ્રદર્શનથી પાકિસ્તાની ખેલાડી નારાજ
ભારત માટે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડીએ પાંચમી ટેસ્ટ મેચમાં જોરદાર ધૂમ મચાવી હતી, જેના કારણે પાંચમા દિવસે ઈંગ્લેન્ડનો સંપૂર્ણ પરાજય થયો હતો અને ભારતે 6 રનથી મેચ જીતીને સિરીઝ 2-2 થી બરાબર કરી હતી. ભારતે બીજી ઈનિંગમાં 80 ઓવર પછી પણ નવો બોલ લીધો ન હતો. કારણ કે જૂના બોલે સિરાજ અને કૃષ્ણાને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ કરી હતી. હવે ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી શબ્બીર અહેમદ ખાને ભારતીય બોલરો સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેને લખ્યું છે કે "મને લાગે છે કે ભારતે વેસેલિનનો ઉપયોગ કર્યો હતો. 80+ ઓવર પછી પણ બોલ નવા જેવો ચમકતો હતો. અમ્પાયરોએ આ બોલને તપાસ માટે લેબમાં મોકલવો જોઈએ."
શબ્બીર અહેમદે પાકિસ્તાન માટે 10 ટેસ્ટ અને 32 વનડે રમી છે. તેમને ટેસ્ટમાં 51 વિકેટ લીધી છે, જ્યારે વનડેમાં તેમને 33 વિકેટ લીધી છે. તેમને 2003 માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું અને 2005 માં છેલ્લી મેચ રમી હતી.
મોહમ્મદ સિરાજે મચાવી ધૂમ
મોહમ્મદ સિરાજે આ મેચની પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેને 5 વિકેટ લીધી હતી. આ રીતે મોહમ્મદ સિરાજે આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને આ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી મેચની પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી.