ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની હોટલ પાસે એક શંકાસ્પદ પેકેજ મળી આવ્યું હતું, જેના કારણે હંગામો મચી ગયો છે.
ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ રહી છે તેની નજીક સેન્ટેનરી સ્ક્વેરમાં એક શંકાસ્પદ પેકેજ મળી આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ, પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
ખેલાડીઓને બહાર જવાની ન મળી મંજૂરી
આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ભારતીય ખેલાડીઓને સાવચેતી રૂપે હોટલની બહાર ન જવાની સલાહ આપી હતી. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે બર્મિંગહામ સિટી સેન્ટર પોલીસે સોશિયલ મીડિયા દ્વારા વિસ્તારમાં એક શંકાસ્પદ વસ્તુ મળી હોવાની માહિતી આપી હતી, ત્યારબાદ સુરક્ષા કારણોસર ખેલાડીઓને બહાર જવાથી રોકવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ઘણીવાર હોટલની નજીક બ્રોડ સ્ટ્રીટ પર ફરવા જાય છે, પરંતુ આ વોર્નિંગ પછી બધાને હોટલમાં રોકાવાનું કહેવામાં આવ્યું હતું.
1 કલાક પછી પોલીસે હટાવી સુરક્ષા
પોલીસે એક્સ પર પોસ્ટ કરી હતી કે 'અમે બર્મિંગહામ શહેરના સેન્ટરમાં સેન્ટેનરી સ્ક્વેરની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે અને એક શંકાસ્પદ પેકેજની તપાસ કરી રહ્યા છીએ. અમને બપોરે 3 વાગ્યા પહેલા જ તેના વિશે માહિતી મળી હતી. સાવચેતી રૂપે, તેની તપાસ ચાલી રહી હતી ત્યારે ઘણી ઈમારતો ખાલી કરાવવામાં આવી છે. કૃપા કરીને તે વિસ્તારમાં જવાનું ટાળો. પરંતુ તપાસ પછી લગભગ એક કલાકમાં પોલીસે પરિસ્થિતિ સામાન્ય જાહેર કરી અને સુરક્ષા ઘેરો હટાવી લેવામાં આવ્યો.
ખેલાડીઓ નેટ સેશનમાં લીધો ભાગ
બીજી ટેસ્ટ પહેલા કેપ્ટન શુભમન ગિલ સહિત આઠ ખેલાડીઓએ નેટ સેશન કર્યું, જ્યારે 10 ખેલાડીઓએ આરામ કર્યો. ટીમ ઈન્ડિયા કાલથઈ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમશે. ઈંગ્લેન્ડે મેચના બે દિવસ પહેલા જ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી હતી. ઈંગ્લિશ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારત સામે બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હૈરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન),જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.













