ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ઈંગ્લેન્ડે પહેલી મેચ 5 વિકેટથી જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી મેચ 336 રનથી જીતીને જોરદાર કમબેક કર્યું.


હવે ત્રીજી મેચ બંને ટીમો વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને ભારતે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ સતત 13મી વખત હારી ટોસ

ભારતીય ક્રિકેટ ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત 13 મેચોમાં ટોસ હાર્યો છે. ભારતે 31 જાન્યુઆરી 2025 થી 10 જુલાઈ 2025 દરમિયાન યોજાયેલી મેચોમાં આ ટોસ હાર્યા છે. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. વેસ્ટ ઈન્ડિઝ 2 ફેબ્રુઆરી 1999 થી 21 એપ્રિલ 1999 દરમિયાન સતત 12 મેચોમાં ટોસ હાર્યા હતા.

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત હાર્યું ત્રણ ટોસ

ભારત સતત 13 મેચમાં ટોસ હાર્યું છે. આમાંથી ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં 8 વખત, શુભમન ગિલના નેતૃત્વમાં 3 વખત અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં 2 વખત ટોસ હાર્યો છે. ભારત ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યું છે અને ત્રણેય મેચમાં ભારત ગિલની કેપ્ટનશીપમાં ટોસ હારી ગયું છે.

પ્રસિદ્ધ કૃષ્ણા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાને બહારનો રસ્તો બતાવ્યો છે અને જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા ઈંગ્લેન્ડ સામેની પહેલી 2 ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને મોટો ફ્લોપ સાબિત થયો હતો. આ ટેસ્ટમાં બુમરાહના કમબેકથી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણને મજબૂતી મળી છે. આકાશ દીપ અને મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળી છે.


  • Follow us on: