ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા 3 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડેની જેમ રમતી જોવા મળતી હતી. પરંતુ બર્મિંગહામ ટેસ્ટ મેચમાં હાર બાદ ઘણું બદલાઈ ગયું છે.


લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની રમવાની સ્ટાઈલ બદલી નાખી છે. જેના કારણે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સ્લેજિંગ શરૂ કર્યું અને મેદાન પર દિગ્ગજ બેટ્સમેન જો રૂટને ખુલ્લી ચેલેન્જ આપી.

સિરાજે જો રૂટને આપી ચેલેન્જ

બેજબોલના યુગમાં ઈંગ્લિશ ટીમ કુલ 72 વખત બેટિંગ કરવા ઉતરી છે. જેમાં આ બીજી વખત છે જ્યારે ઈંગ્લિશ ટીમે પહેલી 40 ઓવરમાં 3થી ઓછા નેટ રન રેટ સાથે રમી છે. છેલ્લી વખત આવું 2022 માં થયું હતું. જ્યારે ટીમે ન્યુઝીલેન્ડ સામે ચોથી ઈનિંગમાં ધીમી રમત રમી હતી.

પરંતુ આજે મેચની પહેલી ઈનિંગમાં ઈંગ્લિશ ટીમ દબાણમાં જોવા મળી રહી છે. મોહમ્મદ સિરાજે અનુભવી જો રૂટને સ્લેજિંગ કર્યું, જે સતત બોલ છોડીને જતા જોવા મળ્યા હતા, 'બેજ, બેજ, બેજબોલ. બેજબોલ રમો. હું જોવા માંગુ છું.' સ્લેજિંગ પછી પણ, રૂટ ધીમી બેટિંગ કરતો જોવા મળે છે.


સિરાજ અને બુમરાહ સામે એટેક નથી કરી શકતાં ઈંગ્લિશ બેટ્સમેન

આક્રમક બેટિંગ માટે જાણીતા ઈંગ્લિશ બેટ્સમેન આ મેચમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. પહેલા 4 બેટ્સમેનમાંથી 3 બેટ્સમેનોએ 50 થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. ચોથા બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ પણ 60 થી ઓછો રહ્યો છે. સ્ટાર જસપ્રીત બુમરાહએ 13 ઓવરમાં ફક્ત 21 રન આપ્યા છે.

મોહમ્મદ સિરાજે 11 ઓવરમાં ફક્ત 25 રન આપ્યા છે. નીતિશ કુમાર રેડ્ડી અને આકાશદીપે પણ બેટ્સમેનોને ધીમે રમવા માટે મજબૂર કર્યા છે. સમાચાર લખાય ત્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવી લીધા છે.

પ્રસિદ્ધ કૃષ્ણા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાને બહારનો રસ્તો બતાવ્યો છે અને જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા ઈંગ્લેન્ડ સામેની પહેલી 2 ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને મોટો ફ્લોપ સાબિત થયો હતો. આ ટેસ્ટમાં બુમરાહના કમબેકથી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણને મજબૂતી મળી છે. આકાશ દીપ અને મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળી છે.


  • Follow us on: