ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રવિન્દ્ર જાડેજા સાથે વોશિંગ્ટન સુંદરે રમેલી ઈનિંગ ફેન્સને વર્ષો સુધી યાદ રહેશે. પ્રેશરથી ભરપૂર મેચમાં અને પ્રભુત્વ ધરાવતી ઈંગ્લિશ ટીમ સામે વોશિંગ્ટન સુંદરે એક શાનદાર ઈનિંગ રમી.


વોશિંગ્ટન સુંદરના ટેસ્ટ કરિયરની આ પહેલી સદી હતી, જે યોગ્ય સમયે આવી. પરંતુ તેની ઈનિંગ પાછળ મુખ્ય કોચ ગૌતમ ગંભીરના જાદુઈ શબ્દો હતા, જે વોશિંગ્ટન સુંદર માટે વરદાન બની ગયા. મેચ પછી વોશિંગ્ટને પોતે આ વાતનો ખુલાસો કર્યો.

વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગ

ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 188 રનના સ્કોર પર કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યો ત્યારે સ્કોરબોર્ડ પર ફક્ત 40 રન બાકી હતા. રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો, તેથી ટીમ મેનેજમેન્ટે વોશિંગ્ટન સુંદરને રવિન્દ્ર જાડેજાથી ઉપર મોકલવાનો નિર્ણય લીધો.


આ નિર્ણય ભારતીય ટીમ માટે વરદાન બન્યો. વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર મજબૂત રીતે ઉભા રહ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે 203 રનની અતૂટ પાર્ટનરશીપ કરી અને ટીમની હાર ટાળી. વોશિંગ્ટન સુંદરે કુલ 206 બોલનો સામનો કર્યો અને 101 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.

ગૌતમ ગંભીરના જાદુઈ શબ્દો બન્યા વરદાન

મેચ ડ્રો થયા પછી વોશિંગ્ટન સુંદરે કહ્યું કે ગૌતમ ગંભીરે ટેસ્ટના પાંચમા દિવસે સવારે તેને થોડા શબ્દો કહ્યા હતા અને તેને ફક્ત તેના પર ધ્યાન આપ્યું. જિયોહોટસ્ટાર સાથે વાત કરતી વખતે વોશિંગ્ટન સુંદરે ગૌતમ ગંભીર પાસેથી મળેલા ગુરુમંત્રનો ખુલાસો કર્યો.

વોશિંગ્ટન સુંદરે કહ્યું કે "આ ટેસ્ટ સદી ખૂબ જ ખાસ છે. હું ફક્ત દિવસભર લડતો રહેવા માગતો હતો અને કોચ ગંભીર દ્વારા મને આ એકમાત્ર સંદેશ આપવામાં આવ્યો હતો."

ટીમ ઈન્ડિયાની ટળી હાર

પહેલી ઈનિંગના આધારે ઈંગ્લેન્ડ પાસે 311 રનની લીડ હતી. દરેકને લગભગ ખાતરી હતી કે ભારત આ ટેસ્ટ હારી જશે. પરંતુ ભારતીય બેટ્સમેનોએ લડવાનું નક્કી કર્યું. શુભમન ગિલ અને કેએલ રાહુલની જોડીએ ઈંગ્લેન્ડના બોલરો સામે ટકી રહી અને ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. કેએલ રાહુલે 90 રન બનાવ્યા, ત્યારે શુભમન ગિલે સિરીઝમાં ચોથી સદી ફટકારી. જ્યારે તે બંને આઉટ થયા, ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા. પરંતુ વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ 203 રનની અતૂટ પાર્ટનરશીપ કરીને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવ્યું.


  • Follow us on: