ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીલંકા સામેની ચોથી T20Iમાં સ્મૃતિ મંધાનાએ 27 રન બનાવીને ઈતિહાસ રચ્યો. સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટમાં 10,000 ઈન્ટરનેશનલ રન પૂરા કર્યા છે.
મિતાલી રાજ પછી આ સિદ્ધિ મેળવનારી તે બીજી ભારતીય ખેલાડી બની છે. સ્મૃતિ મંધાના સિવાય દુનિયાની ફક્ત ત્રણ અન્ય મહિલા ક્રિકેટરો પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 થી વધુ રન છે.
સ્મૃતિ મંધાનાએ ઈનિંગમાં 27મો રન બનાવતાની સાથે જ રચ્યો ઈતિહાસ
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી T20I મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી. સ્મૃતિ મંધાનાએ ઈનિંગમાં 27મો રન બનાવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો અને મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન બનાવનારી વિશ્વની ચોથી ખેલાડી બની.
સ્મૃતિ મંધાનાએ 10,000 રન કર્યા પૂર્ણ
સ્મૃતિ મંધાના પહેલા ફક્ત 3 મહિલા ક્રિકેટરોએ આ સિદ્ધિ મેળવી હતી, જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ પણ સામેલ છે. નિવૃત્તિ લેતા પહેલા મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,868 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની અનુભવી ખેલાડી સુઝી બેટ્સે 343 ઈનિંગમાં 10,652 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન ચાર્લોટ એડવર્ડ્સના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,273 રન છે. ભારત માટે ગર્વની વાત છે કે સ્મૃતિ મંધાનાએ ફક્ત 280 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. આ લખાય છે ત્યાં સુધી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,007 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Shreyas Iyer આ દિવસે મેદાનમાં પરત ફરવા માટે છે તૈયાર! ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર