જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચની તૈયારીમાં બિઝી છે, ત્યારે બીજી તરફ, ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન તિલક વર્મા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાના બેટથી ધૂમ મચાવવા માટે હેમ્પશાયર ટીમમાં જોડાયો છે.


તિલક વર્મા હેમ્પશાયર માટે 4 મેચ રમશે, જે 22 જૂનથી 1 ઓગસ્ટ દરમિયાન રમાશે. હેમ્પશાયરના ક્રિકેટ નિર્દેશક ગાઈલ્સ વાઈટે તિલક વર્માના ટીમમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આગામી ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે તિલક વર્મા ઉપલબ્ધ હોવાનો ખૂબ આનંદ છે. તે એક પ્રતિભાશાળી ક્રિકેટર છે જેને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને IPLમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. અમને આશા છે કે તે આ સમરમાં હેમ્પશાયર માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ટીમ ઈન્ડિયા માટે રમી છે 29 મેચ

તિલક વર્મા ભારતના ઈમર્જિંગ બેટ્સમેનોમાંથી એક છે, તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. IPLથી ચર્ચામાં આવેલા તિલક વર્માને ખૂબ જ ઓછા સમયમાં ઘણી પોપ્યુલારિટી મળી છે. ડિસેમ્બર 2023માં ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તિલક વર્માએ અત્યાર સુધીમાં 4 ODI અને 25 T20I મેચ રમી છે, જેમાં તેને કુલ 729 રન બનાવ્યા છે.


તિલક વર્માના નામે બે સદી અને ત્રણ અડધી સદી છે. તેને 2019 માં T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી 2022 માં, મુંબઈ ઈન્ડિયન્સે તેને ટીમમાં સામેલ કર્યો અને ટૂંક સમયમાં IPL માં તેમની મજબૂત બેટિંગને કારણે સ્ટાર બેટ્સમેન બની ગયો. તે છેલ્લા ત્રણ સીઝનથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો નિયમિત ભાગ રહ્યો છે.

T20માં બનાવ્યા છે 3 હજારથી વધુ રન

IPLમાં અત્યાર સુધી રમાયેલી 54 મેચોમાં તિલક વર્માએ 37.47 ની એવરેજ અને 144.41 ના સ્ટ્રાઈક રેટથી 1499 રન બનાવ્યા છે. જેમાં 8 અડધી સદીનો સમાવેશ થાય છે. IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી, તિલક હવે કાઉન્ટીમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. T20 ની વાત કરીએ તો, 22 વર્ષના તિલક વર્માએ 119 મેચોમાં 43.03 ની એવરેજ અને 145 થી વધુના સ્ટ્રાઈક રેટથી 3658 રન બનાવ્યા છે. જેમાં તેના બેટમાંથી 4 સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. 

  • Follow us on: