શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાનું બેટિંગ ટેલેન્ટ બતાવી અને ટીમ માટે સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો.


શુભમન ગિલની ઉત્તમ બેટિંગને કારણે જ ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ 2-2 થી બરાબર કરવામાં સફળ રહી. આ કારણે શુભમન ગિલને જુલાઈ 2025 મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળ્યો છે. ICC દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

શુભમન ગિલે કર્યું જોરદાર પ્રદર્શન

શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીતવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડર તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. 25 વર્ષના શુભમન ગિલે જુલાઈમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 3 ટેસ્ટ મેચમાં 94.50 ની એવરેજથી 567 રન બનાવ્યા અને 1 બેવડી સદી પણ ફટકારી.


શુભમન ગિલે કહી આ વાત

પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યા બાદ શુભમન ગિલે કહ્યું કે જુલાઈ માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે સિલેક્ટ થઈને મને ખૂબ જ આનંદ થયો છે. આ વખતે તે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે મને કેપ્ટન તરીકે મારી પહેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન મારા પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. બર્મિંગહામમાં ફટકારેલી બેવડી સદી મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે. આ એવોર્ડ માટે મને પસંદ કરવા બદલ હું જ્યુરીનો આભાર માનું છું.

શુભમન ગિલે ચોથી વખત જીત્યો ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ

શુભમન ગિલનો આ ચોથો ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ છે. આ પહેલા તેને ફેબ્રુઆરી 2025, જાન્યુઆરી 2023, સપ્ટેમ્બર 2023માં આ એવોર્ડ જીત્યો હતો. તે ચાર વખત પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે. શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જે પ્રકારનું પ્રદર્શન કર્યું, જે ભાગ્યે જ જોવા મળે છે. તેને આખી ટેસ્ટ સિરીઝની 5 મેચમાં કુલ 754 રન બનાવ્યા, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પહેલો ભારતીય ટેસ્ટ કેપ્ટન

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ ભારત 5 વિકેટથી હારી ગયું હતું. આ પછી તેને બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા હતા. તેના કારણે ભારતીય ટીમ બીજી મેચ 336 રનથી જીતવામાં સફળ રહી. શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પહેલો ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો. 

  • Follow us on: