ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે. હરમનપ્રીત હવે મહિલા વનડે ક્રિકેટમાં 4,000 રનનો આંકડો પાર કરનારી ત્રીજી ભારતીય ક્રિકેટર બની ગઈ છે.
તેના પહેલા ફક્ત મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ આ સિદ્ધિ મેળવી હતી. હરમનપ્રીત કૌરે તેના કરિયરની 149મી વનડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તે મહિલા વનડે ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.
હરમનપ્રીત કૌરે 129 ઈનિંગ્સમાં 4,000 રન પૂરા કર્યા. 4,000 વનડે રન પૂરા કરનારી સૌથી ઝડપી ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના છે, જેને માત્ર 95 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હરમનપ્રીતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં 102 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.
મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી
મિતાલી રાજ - 7,805 રન
સ્મૃતિ મંધાના - 4,588 રન
હરમનપ્રીત કૌર - 4,000+ રન
અંજુમ ચોપરા - 2,856 રન
દીપ્તિ શર્મા - 2,300 રન
કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ODI મેચમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. આ મેચમાં તેણે પોતાના ODI કરિયરની 7મી સદી ફટકારી, તેણે 82 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સાથે તે મહિલા ODI ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનારી બીજી સૌથી ઝડપી ક્રિકેટર બની ગઈ છે. તેણે 2024માં દક્ષિણ આફ્રિકા સામે 85 બોલમાં સદી પૂરી કરી હતી. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
ભારત માટે મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી સદી
સ્મૃતિ મંધાના - 70 બોલ
હરમનપ્રીત કૌર - 82 બોલ
હરમનપ્રીત કૌર - 85 બોલ
જેમીમાહ રોડ્રિગ્સ - 89 બોલ