મુંબઈ ઈન્ડિયન્સ સામેની રોમાંચક IPL જીત બાદ RCB ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ભાવના, ગર્વ અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ખેલાડીઓની ખુલ્લેઆમ પ્રશંસા કરતા કહ્યું કે મોટી ટુર્નામેન્ટ જીતવા માટે ટીમને આ પ્રકારની લડાઈ ભાવના અને દબાણ હેઠળ લડવાની માનસિકતાની જરૂર હોય છે.
વિરાટ કોહલીએ ખાસ કરીને કૃણાલ પંડ્યાની બેટિંગની પ્રશંસા કરી, તેને આઈપીએલ મેચમાં અત્યાર સુધીની બેસ્ટ ઈનિંગ ગણાવી. તેને કહ્યું કે ઘણા ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભાંગી પડે છે, પરંતુ કેપી ઈજા, ઉછાળો અને ખેંચાણ જેવા પડકારો છતાં ટકી રહ્યો.
તેને કહ્યું કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે કેપીએ ધીરજ બતાવી, યોગ્ય ક્ષણની રાહ જોઈ અને પછી પોતાના મોટા શોટ્સથી મેચને પલટી નાખી. વિરાટ કોહલીએ ખાસ કરીને ક્રેમ્પ છતાં ફટકારેલા બે છગ્ગાને મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો.
ભુવનેશ્વરની બોલિંગ અને સિક્સર ચર્ચાનો વિષય બન્યા
ટીમની જીતમાં બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીએ ભુવનેશ્વર કુમારની પ્રશંસા કરતા કહ્યું કે પાવરપ્લેમાં તેમની બોલિંગ એકદમ વર્લ્ડ ક્લાસ હતી. તેને વિરોધી બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા અને ટીમને મજબૂત શરૂઆત અપાવી.
પરંતુ મેચની સૌથી યાદગાર ક્ષણ ત્યારે બની જ્યારે ભુવનેશ્વરે અંતિમ ઓવરમાં બેટિંગ કરવા આવતા દબાણ હેઠળ શાનદાર સિક્સર ફટકારી. કેપ્ટને મજાકમાં કહ્યું કે બધા જાણે છે કે ભુવનેશ્વર કેટલો હોશિયાર બોલર છે, પરંતુ આ મેચમાં તેને એ પણ સાબિત કર્યું કે તે બેટથી પણ ધૂમ મચાવી શકે છે.
ટીમવર્કથી રોમાંચક જીત થઈ
વિરાટ કોહલીએ ટીમના અન્ય ખેલાડીઓના યોગદાનની પણ પ્રશંસા કરી. તેને કહ્યું કે સુયશ, રસિક અને રોમારિયોએ સારી બોલિંગ કરી. રસિકની ચોક્કસ લાઈન અને લેન્થની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે ખેલાડી આત્મવિશ્વાસ ધરાવતો હોય છે, ત્યારે તેની કુશળતા ચમકે છે.
બેટિંગમાં શરૂઆતની નિષ્ફળતા છતાં, ટીમે પોતાની હિંમત જાળવી રાખી. વિરાટ કોહલીએ બેથેલ અને કેપીની પાર્ટનરશીપને વિજયનો પાયો ગણાવ્યો. તેને કહ્યું કે બંને બેટ્સમેનોએ મેચની પરિસ્થિતિને સમજીને સંયમ અને આક્રમકતા વચ્ચે યોગ્ય સંતુલન બનાવ્યું.
દબાણ હેઠળ લડવાની માનસિકતા જ વાસ્તવિક તાકાત
પોતાના સંબોધનમાં વિરાટ કોહલીએ સ્પષ્ટપણે કહ્યું કે જો ટીમે IPL જેવી મોટી ટુર્નામેન્ટ જીતવી હોય તો દરેક ખેલાડીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જવાબદારી લેવી પડશે. તેને કહ્યું કે આ જીત ફક્ત 2 પોઈન્ટ વિશે નથી, પરંતુ ટીમના આત્મવિશ્વાસને મજબૂત કરવા વિશે છે.
તેને ખેલાડીઓને તેમની આગામી મેચો એ જ ઉર્જા અને જુસ્સા સાથે ચાલુ રાખવા વિનંતી કરી. ડ્રેસિંગ રૂમમાં ગુંજી ઉઠેલી તાળીઓના ગડગડાટ અને ખેલાડીઓના ચહેરા પરના સ્મિત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ જીત ટીમ માટે કેટલી ખાસ હતી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?