ભારતીય ટીમના સ્ટાર ઓપનર કેએલ રાહુલ માટે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ ખાસ બની ગઈ છે, કારણ કે તેણે આ મેચમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી છે. રાહુલને આ સિરીઝમાં ઓપનર તરીકે તક મળી છે અને તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ પહેલા રાહુલે લીડ્સમાં પણ શાનદાર સદી ફટકારી હતી. જોકે, લોર્ડ્સના મેદાન પર સદી ફટકારવી એ એક અલગ જ વાત હોય છે અને આ સ્થળ પર રાહુલની આ બીજી સદી છે.


લોર્ડ્સ મ્યુઝિયમમાં કેએલ રાહુલની જર્સી

ત્રીજા દિવસના ખેલ બાદ રાહુલે એક ખાસ કામ કર્યું અને પોતાની સાઇન કરેલી જર્સી લોર્ડ્સ મ્યુઝિયમને ભેટમાં આપી. ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેએલ રાહુલને પોતાની જર્સી પર સાઇન કરતા જોઈ શકાય છે, જે તે પછીથી મ્યુઝિયમને સોંપે છે. આ પહેલા, બીજા દિવસના ખેલ બાદ સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પણ મ્યુઝિયમને તે જૂતા દાન કર્યા હતા, જેને પહેરીને તેણે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં ફાઇવ વિકેટ ઝડપી હતી.


કેએલ રાહુલનો ખાસ વીડિયો સામે આવ્યો

શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આઉટ થઈને પેવેલિયન પાછા ફરી રહેલા રાહુલની પ્રશંસા કરવા માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને અન્ય સભ્યો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા છે. આ પછી, રાહુલને સ્ટેડિયમમાંથી બહાર નીકળતા પણ બતાવવામાં આવે છે, જ્યાં ચાહકો તેના માટે તાળીઓ પાડે છે અને તેની પ્રશંસા પણ કરે છે. આ જ વીડિયોમાં રાહુલનું નામ લોર્ડ્સના ઓનર બોર્ડ પર પણ જોવા મળે છે અને પછી તે પોતાની જર્સી પર સાઇન કરતા પણ જોવા મળે છે, જે તેણે લોર્ડ્સ મ્યુઝિયમને ભેટમાં આપી.

રાહુલના ટેસ્ટ કરિયરની 10 મી સદી

નોંધનીય છે કે, આ કેએલ રાહુલના ટેસ્ટ કરિયરની 10 મી સદી રહી. યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર અને શુભમન ગિલના આઉટ થઈ ગયા બાદ, રાહુલે ઋષભ પંત (74) સાથે ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું અને પછી ત્રીજા દિવસે લંચ બાદ પોતાની સદી પૂરી કરી. જોકે, માઇલસ્ટોન પૂરો કર્યાના તરત જ રાહુલ શોએબ બશીરની બોલ પર આઉટ થઈ ગયો. તેણે 177 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા.


  • Follow us on: