U19 વર્લ્ડકપ 2026 15 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો અને હવે 20 દિવસ પછી ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની બંને ફાઈનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે અને ચેમ્પિયન ટીમ 6 ફેબ્રુઆરીએ જાહેર થશે.


ભારતની સામે ટાઈટલ મેચમાં ઈંગ્લેન્ડ છે. જ્યારે ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવીને સતત છઠ્ઠી વખત ટાઈટલ મેચની ટિકિટ મેળવી હતી. ટીમ ઈન્ડિયા 2016થી સતત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. હવે ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડને હરાવીને U19 વર્લ્ડકપની ટ્રોફી જીતવાની શાનદાર તક છે.

વૈભવ સૂર્યવંશી પાસે મોટી તક

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું. વૈભવ સૂર્યવંશીએ લાંબા સમય પછી ટુર્નામેન્ટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ સ્ટાઈલ બતાવી. તેને 33 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 200 થી વધુ હતો. હવે ફાઈનલમાં વૈભવ પાસેથી આવી જ વિસ્ફોટક ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે. 14 વર્ષના સ્ટાર બેટ્સમેન પાસે પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી દેવાની શાનદાર તક હશે.

વૈભવ સૂર્યવંશીને ફક્ત 35 રનની જરૂર

જો 14 વર્ષનો વૈભવ ઈંગ્લેન્ડ સામે ફાઈનલમાં 35 રન બનાવી લે છે, તો તે બાબર આઝમને પાછળ છોડી દેશે. યુવા વનડેમાં વૈભવ પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની મોટી તક છે. યુવા વનડેમાં વૈભવે 24 મેચોમાં 51 થી વધુની એવરેજ અને 160.23ના સ્ટ્રાઈક રેટથી 1237 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 7 અડધી સદીનો ફટકારી છે.

બીજી તરફ બાબર આઝમે 36 મેચોની 35 ઈનિંગમાં 38.51ની એવરેજ અને 73.85ના સ્ટ્રાઈક રેટથી 1271 રન બનાવ્યા છે. વૈભવ યુવા વનડેમાં ભારત માટે ચોથા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ફાઈનલમાં તે તન્મય શ્રીવાસ્તવને પાછળ છોડીને ત્રીજા નંબરે સૌથી સફળ ભારતીય બેટ્સમેન બની શકે છે.

યુવા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

વિજય ઝોલ - 1404

યશસ્વી જયસ્વાલ – 1386

તન્મય શ્રીવાસ્તવ - 1315

વૈભવ સૂર્યવંશી - 1237

શુભમન ગિલ – 1149

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે સૌથી વધુ U19 વર્લ્ડકપ જીત્યા છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 5 વખત આ ખિતાબ જીત્યો છે. હવે ટીમ છઠ્ઠી ટ્રોફી મેળવવાનું ટાર્ગેટ રાખશે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ ઈતિહાસ રચવાનું લક્ષ્ય રાખશે.

આ પણ વાંચો: T20 WC 2026 પહેલા એક મોટો અપસેટ સર્જ્યો, પાકિસ્તાનને પણ મોટો ઝટકો



  • Follow us on: