ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં તે યજમાન ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ સામે પાંચ મેચની યુથ વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સિરીઝમાં 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે.
ચોથી વનડેમાં ૫૨ બોલમાં તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચનાર વૈભવ હવે સિરીઝની છેલ્લી મેચમાં પણ મોટી ઈનિંગ રમવાની અપેક્ષા રાખે છે. તેના કોચ મનીષ ઓઝાએ પણ આ મેચ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમના મતે વૈભવ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને તેમના જન્મદિવસ પર 7 જુલાઈએ યોજાનારી પાંચમી વનડેમાં એક શાનદાર ભેટ આપશે. તમને જણાવી દઈએ કે, ધોનીનો જન્મદિવસ પણ 7 જુલાઈએ છે.
વૈભવ સૂર્યવંશી આપશે ધોનીને ગિફ્ટ
આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. પહેલી વનડેમાં તેને 19 બોલમાં 48 રન બનાવ્યા, જ્યારે બીજી વનડેમાં તેને 34 બોલમાં 45 રન બનાવ્યા. ત્રીજી વનડેમાં વૈભવે 31 બોલમાં 86 રન બનાવીને અંડર-19 વનડેમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ભારતીય રેકોર્ડ બનાવ્યો. ચોથી વનડેમાં તેને 52 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી સદી ફટકારી અને યુવા વનડેમાં સૌથી ઝડપી સદીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ ઈનિંગમાં તેને કુલ 143 રન બનાવ્યા.
આ પરિસ્થિતિમાં વૈભવના કોચ મનીષ ઓઝાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઈંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વૈભવનું બેટ જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. તેમને ભવિષ્યવાણી કરી હતી કે વૈભવ 7 જુલાઈએ બીજી સદી ફટકારશે અને આ ઈનિંગ એમએસ ધોનીના જન્મદિવસ માટે એક ખાસ ગિફ્ટ હશે. આ સિવાય તેમને વૈભવ સૂર્યવંશીને શક્ય તેટલી વહેલી તકે ટીમ ઈન્ડિયામાં તક મળશે તેવી વાત પણ કરી. મનીષ ઓઝાએ કહ્યું કે તે આખી અંડર-19 ટીમથી ખૂબ જ અલગ છે અને ટીમ ઈન્ડિયા માટે રમવા માટે તૈયાર છે. જો સિલેક્ટર્સ તેમને તક આપશે, તો તે વિશ્વાસ પર ખરા ઉતરશે.
એમએસ ધોની સાથે ખાસ ક્નેક્શન
એમએસ ધોનીએ ભારત માટે 3 ICC ટ્રોફી જીતી છે, તે 7 જુલાઈએ પોતાનો 44મો જન્મદિવસ ઉજવશે. બિહારના સમસ્તીપુરનો રહેવાસી વૈભવ ધોનીને પોતાનો આદર્શ માને છે. ધોની પણ ઝારખંડનો છે, જે પહેલા બિહારનો ભાગ હતો. બંનેની આક્રમક બેટિંગ સ્ટાઈલમાં પણ સમાનતા જોઈ શકાય છે. વૈભવ સૂર્યવંશી ધોનીની જેમ લાંબા છગ્ગા મારવા માટે પણ જાણીતો છે.