વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝનની ફાઈનલ મેચમાં પાકિસ્તાની ચેમ્પિયન ટીમને સાઉથ આફ્રિકા સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ બે વાર ટકરાવવાના હતા, એક વખત લીગ સ્ટેજમાં અને પછી સેમીફાઇનલ મેચમાં પરંતુ ઈન્ડિયન ચેમ્પિયન્સ ટીમે બંને મેચમાં રમવાની ના પાડી હતી.


ફાઈનલ મેચમાં પાકિસ્તાની ચેમ્પિયન્સની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મગરના આંસુ જોવા મળી રહ્યા છે, જેમાં તેમને ભવિષ્યમાં તેમની ટીમને WCLમાં ભાગ લેવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.

PCBએ લગાવ્યો પક્ષપાતનો આરોપ

આ નિર્ણયને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે WCL ઈવેન્ટના આયોજકો પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. PCB પ્રમુખ મોહસીન નકવીની અધ્યક્ષતામાં 79મી BoG બેઠકમાં WCLના નિર્ણયની સખત નિંદા કરવામાં આવી હતી જેમાં ઈરાદાપૂર્વક મેચ છોડી દેનારી ટીમને પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

ભારત વિરુદ્ધ પાકિસ્તાન ચેમ્પિયન્સ મેચ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. PCB એ તેને પક્ષપાતી ગણાવ્યું છે. PCB દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે આ કેસમાં જે બન્યું તે યોગ્ય ન હતું. આમાં બહારના પરિબળોનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે, જે ગેમની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉભા કરે છે. આને કારણે PCB ને કડક પગલું ભરવાની ફરજ પડી છે જેમાં PCB હવે તેની ટીમને આવી ઈવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી શકશે નહીં.

ફાઈનલ મેચમાં એબી ડી વિલિયર્સની ઈનિંગ સાબિત થઈ મોંઘી

WCL 2025 ની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમને સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા. ત્યારબાદ એબી ડી વિલિયર્સની 120 રનની અણનમ ઈનિંગના આધારે સાઉથ આફ્રિકાની ટીમે ફક્ત 16.5 ઓવરમાં મેચ જીતી લીધી અને ટાઈટલ પણ જીત્યું. પાકિસ્તાન ચેમ્પિયન્સ સતત બીજી સિઝનમાં ફાઈનલમાં પહોંચ્યું પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યું.


  • Follow us on: