મહિલા ODI વર્લ્ડકપ 2025 ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેવાની છે. બધી મહિલા ટીમોએ વર્લ્ડકપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


મીડિયા રિપોર્ટ મુજબ ન્યુઝીલેન્ડની મહિલા ટીમે આગામી વર્લ્ડકપ માટે તેની તૈયારીઓ વધારી કરી દીધી છે અને સ્પિનરો માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં CSK એકેડેમી ખાતે બે અઠવાડિયાના ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું છે.

ન્યુઝીલેન્ડ મહિલા ટીમનો વિદેશમાં પહેલો ટ્રેનિંગ કેમ્પ

ન્યુઝીલેન્ડ મહિલા ટીમના કોચ બેન સોયરે જણાવ્યું હતું કે આ ટીમનો વિદેશમાં પહેલો ટ્રેનિંગ કેમ્પ છે અને તેનો સમય સંપૂર્ણ છે. ન્યુઝીલેન્ડમાં હાલમાં શિયાળો છે અને તેમને કોઈ ક્રિકેટ રમવાની નથી. વર્લ્ડકપ શરૂ થવામાં હજુ લગભગ બે મહિના બાકી છે. અમે 7 કોન્ટ્રાક્ટ ખેલાડીઓ અને ત્રણ અન્ય ખેલાડીઓને સાથે લાવ્યા છીએ. છોકરીઓ ભવિષ્યમાં પણ ભારતમાં ઘણું ક્રિકેટ રમશે. આ અનુભવ ખૂબ જ સારો રહ્યો છે.

કેમ્પ પછી ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ઘરે ફરશે પરત

ઓલરાઉન્ડર જેસ કેર, ઓપનર જ્યોર્જિયા પ્લાઈમર અને બ્રુક હેલિડે 7 કોન્ટ્રાક્ટ ખેલાડીઓમાં સામેલ છે. જ્યારે ઈઝી શાર્પ, ફ્લોરા ડેવોનશાયર અને એમ્મા મેકલિયોડનો ઈમર્જિંગ ખેલાડીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈમાં કેમ્પ પછી ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને અધિકારીઓ સ્વદેશ પરત ફરશે. આ પછી તેમને દુબઈમાં ઈંગ્લેન્ડ સામે ODI મેચ રમવાની છે.

ટ્રેનિંગ કેમ્પને લઈને બેન સોયરે કહ્યું કે તે ખૂબ જ ફાયદાકારક છે અને આ વર્ષે તેનાથી પણ વધુ જરૂરી છે. અમારે વર્લ્ડકપ માટે બે પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. તેથી અમને સમાન પરિસ્થિતિઓમાં સાત કે આઠ મેચ રમવાનો મોકો મળશે. આ અમારા માટે મોટી વાત છે.

મહિલા વર્લ્ડકપ 2025માં કુલ 8 ટીમો લેશે ભાગ

ભારત અને શ્રીલંકાને ICC મહિલા વર્લ્ડકપ 2025 ના યજમાની અધિકારો મળ્યા છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે અને તેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમોનો સમાવેશ થાય છે.


  • Follow us on: