- મોરોક્કો સામે 1-૦થી હારી પોર્ટુગલ FIFA વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું
- 37 વર્ષીય રોનાલ્ડોનો આ પાંચમો અને કદાચ છેલ્લો વર્લ્ડ કપ હતો
- રોનાલ્ડોનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
37 વર્ષીય સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કતાર FIFA વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી શક્યો નથી. પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કો સામેની હાર બાદ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પોર્ટુગલની હાર સાથે રોનાલ્ડોનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. રોનાલ્ડો પાંચમી વખત વર્લ્ડ કપમાં રમી રહ્યો હતો.

રોનાલ્ડોનો છેલ્લો વર્લ્ડ કપ!
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કતારમાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપમાં પોર્ટુગલને તેના સ્ટાર ખેલાડી પાસેથી ઘણી આશાઓ હતી. મોરોક્કોએ રોનાલ્ડો અને પોર્ટુગલનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કર્યું. પોર્ટુગલની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ દરેકના મનમાં સવાલ એ છે કે શું હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી શકશે નહીં? કારણ કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આને રોનાલ્ડોનો છેલ્લો વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો હતો.
મોરોક્કો સેમીફાઇનલમાં
37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો હતો. મોરોક્કોએ ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને 1-0થી હરાવી પ્રથમ વખત FIFA વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મોરોક્કોએ FIFA વર્લ્ડ કપના છેલ્લા ચારમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન અને આરબ દેશ બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. અલ થુમામા સ્ટેડિયમ ખાતે મોરોક્કો માટે યુસેફ એન નેસરીએ 42મી મિનિટે મેચનો નિર્ણાયક ગોલ કર્યો હતો.

રોનાલ્ડો આંસુ પર કાબૂ રાખી શક્યો નહીં
પોર્ટુગલના વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નથી. મેદાનની બહાર જતા રોનાલ્ડોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રોનાલ્ડો કદાચ સારી રીતે જાણતો હતો કે હવે તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું નહીં થાય. આ તેની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ બની શકે છે. રોનાલ્ડોનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિવાદો સાથે વર્લ્ડ કપમાં એન્ટ્રી
મોરોક્કો સામેની મેચમાં પણ રોનાલ્ડોને શરૂઆતની ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના સ્થાને યુવા ફૂટબોલર ગોન્સાલો રોમોસને પ્રારંભિક XIમાં તક મળી છે. રોમોસ એકમાત્ર એવો ખેલાડી છે જેણે સ્વિટ્ઝર્લેન્ડ સામે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 3 ગોલ કર્યા હતા. જોકે, ક્વાર્ટર ફાઇનલમાં તે કમાલ કરી શક્યો નહોતો. કતાર ફિફા વર્લ્ડ કપ રોનાલ્ડો માટે ઝડપથી ભૂલી શકાય તેવો રહ્યો નથી. વર્લ્ડ કપમાં રોનાલ્ડોની એન્ટ્રી ક્લબ સાથેના વિવાદો વચ્ચે થઈ હતી.