- માન્ચેસ્ટર યુનાઇટેડે શેરિફને 2-0થી હરાવ્યું
- વર્તમાન સિઝનમાં રોનાલ્ડોએ પ્રથમ ગોલ નોંધાવ્યો
- ક્લબ કારકિર્દીમાં 700 ગોલથી માત્ર એક ગોલ દૂર
પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્તમાન સિઝનમાં આખરે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. તેણે યુઇએફએ યૂરોપા લીગ ફૂટબોલમાં ઇંગ્લેન્ડની ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમીને માલ્ડોવાની ક્લબ શેરિફ તિરાસપોલ સામે ગોલ કર્યો હતો. 2022-23ની સિઝનમાં રોનાલ્ડો સાત મેચમાં એક પણ ગોલ નોંધાવી શક્યો નથી. રોનાલ્ડો પોતાની 20 વર્ષની કારકિર્દીમાં બીજી વખત યૂરોપા લીગમાં રમ્યો છે અને આ પહેલાં તે 2002માં પોર્ટુગલની સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમ્યો હતો. તેણે યૂરોપા લીગમાં પ્રથમ ગોલ પણ નોંધાવ્યો છે.

ચેમ્પિયન્સ લીગમાં સર્વાધિક ગોલ કરનાર ખેલાડી
યૂરોપા લીગ કરતાં વધારે મોટી ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડો સર્વાધિક ગોલ કરનાર ખેલાડી છે. રોનાલ્ડો (699 ગોલ) ક્લબ કારકિર્દીમાં 700 ગોલના મેજિક આંકડાથી માત્ર એક ગોલ દૂર છે. રોનાલ્ડોએ ગોલ કર્યો હોય તેવી શેરિફ 124મી ક્લબ બની છે. ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોના 141 ગોલ છે પરંતુ યુનાઇટેડ ક્લબ આ વખતે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થઈ શકી નથી. રોનાલ્ડો આ કારણથી ક્લબને છોડવા માગે છે પરંતુ તે શક્ય ના બનતા તેને બીજા સ્તરની ટૂર્નામેન્ટ યૂરોપા લીગમાં રમવા માટે મેદાનમાં ઊતરવું પડયું હતું.

રોનાલ્ડોએ 39મી મિનિટે કર્યો ગોલ
યુનાઇટેડે શેરિફ તિરાસપોલ ક્લબને 2-0થી પરાજય આપ્યો હતો. લીગની અન્ય મેચોમાં રિયલ બેટિસે બલ્ગેરિયાની લુડોગોરેટ્સને 3-2થી, જોસ મોરિન્હોની રોમા ક્લબે એચજેકે હેલસિંકીને 3-0થી તથા વિલારલે હાપોએલ બિયર શેવાને 2-1થી પરાજય આપ્યો હતો. રોનાલ્ડોએ મેચમાં 39મી મિનિટે કોઈ પણ ભૂલ કર્યા વિના બોલને ગોલપોસ્ટમાં મોકલી આપ્યો હતો. આ પહેલાં જેડોન સાંચોએ 17મી મિનિટે ગોલ કરીને યુનાઇટેડને 1-0થી આગળ કરી દીધી હતી.