ઓસ્ટ્રેલિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે 5 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાઈ હતી. ઉચ્ચ સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયાએ આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી. આ જીતનો હીરો ટ્રેવિસ હેડ હતો. જેણે પોતાની અણનમ સદી સાથે ઈંગ્લેન્ડને કારમી હાર આપી હતી. ટ્રેવિસ હેડની આ ઈનિંગે ભારતીય ચાહકોને વર્લ્ડ કપ 2023ની દિલધડક ફાઈનલની યાદ અપાવી દીધી. જેમાં ટ્રેવિસે એકલા હાથે 120 બોલમાં 137 રન ફટકારીને ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતી હતી.


ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડની કરી ધોલાઈ

ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર બેટિંગ કરી અને પોતાની ટીમને 7 વિકેટે મોટી જીત અપાવી. ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે રમાયેલી આ મેચમાં ટ્રેવિસ હેડે 119.38ની સ્ટ્રાઈક રેટથી 129 બોલમાં 154 રન બનાવ્યા હતા. હેડની આ ઇનિંગ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક હતી, જેમાં તેણે 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે ઈંગ્લેન્ડ સામે ODI ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ્સ રમનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે.


ઈંગ્લેન્ડની ટીમ 315 રનમાં ઓલઆઉટ

ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ શરૂઆત સારી રહી ન હતી. ઓપનર ફિલ સોલ્ટ 17 રન બનાવીને જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બેન ડકેટ અને વિલ જેક્સે સારી બેટિંગ કરીને દાવને સંભાળ્યો હતો. જેક્સે 62 રન બનાવ્યા હતા જ્યારે ડકેટે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરે પણ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યાં કેપ્ટન હેરી બ્રુકે 39 અને જેમી સ્મિથે 23 રન બનાવ્યા હતા. જો કે ઈંગ્લેન્ડની આખી ટીમ 49.4 ઓવરમાં 315 રનમાં સમેટાઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. મિચેલ માર્શ 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટ્રેવિસ હેડે સ્ટીવ સ્મિથ અને કેમેરોન ગ્રીન સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. સ્મિથ અને ગ્રીને 32-32 રન બનાવ્યા હતા. ત્યારબાદ માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે સાથે મળીને શાનદાર ઇનિંગ્સ રમી હતી. માર્નસ લાબુશેને 126.23ના સ્ટ્રાઈક રેટથી 61 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને ચોથી વિકેટ માટે 148 રનની અણનમ ભાગીદારી કરી અને ટીમે 6 ઓવર બાકી રહેતા જીત મેળવી લીધી. ઓસ્ટ્રેલિયા આ મેચ 7 વિકેટે જીતવામાં સફળ રહ્યું હતું.

  • Follow us on: