- ઈંગ્લેન્ડના જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો
- બ્રાયન લારાએ 232 ઇનિંગ્સમાં 11953 રન બનાવ્યા હતા
- જો રૂટ ટેસ્ટમાં સૌથી વધુ રનના મામલે સાતમા સ્થાને પહોંચ્યો
ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ બનાવતો જોવા મળી રહ્યો છે. શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે રૂટે શાનદાર બેટિંગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તેણે આ ઇનિંગ સાથે ઇતિહાસ રચ્યો હતો.
બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં જો રૂટ સાતમા સ્થાને પહોંચી ગયો છે. રૂટે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો હતો. બ્રાયન લારાના નામે ટેસ્ટ ક્રિકેટની 131 મેચોની 232 ઇનિંગ્સમાં 11953 રન છે. રૂટ તેને પાછળ છોડી 12 હજાર રનની નજીક પહોંચી ગયો છે.જો રૂટ એકવાર 12 હજાર રન બનાવી લે તો તે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર ઈંગ્લેન્ડનો સૌથી ઝડપી 12000 રન પૂરા કરનારો બેટ્સમેન બની જશે.
સચિન તેંડુલકરના નામે વર્લ્ડ રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 મેચની 329 ઇનિંગ્સમાં 15921 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ બીજા સ્થાને છે. પોન્ટિંગે 168 મેચની 287 ઇનિંગ્સમાં 13378 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના દિગ્ગજ જેક કાલિસ 13289 રન સાથે ત્રીજા સ્થાને છે.
આ દિગ્ગજો પણ યાદીમાં સામેલ
આ યાદીમાં ભારતીય દિગ્ગજ અને ક્રિકેટર રાહુલ દ્રવિડ જે ધ વોલ તરીકે પ્રખ્યાત છે તે ચોથા સ્થાને છે. જેણે 164 મેચની 286 ઇનિંગ્સમાં 13288 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકનું નામ પાંચમા સ્થાને નોંધાયેલું છે. જેણે 161 મેચની 291 ઇનિંગ્સમાં 12472 રન બનાવ્યા હતા. શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા છઠ્ઠા સ્થાને છે. તેણે 134 મેચની 233 ઇનિંગ્સમાં 12400 રન બનાવ્યા હતા.