• T20 વર્લ્ડકપમાં 200નો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની ઈંગ્લેન્ડ
  • ઈંગ્લેન્ડે અંતિમ લીગ મેચમાં પાકિસ્તાનને 114 રનથી હરાવ્યું
  • વર્લ્ડ કપની લીગ મેચોમાં ઈંગ્લેન્ડ એકપણ મેચ હાર્યું નથી

મહિલા T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મુકાબલામાં ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે રેકોર્ડ સ્કોર બનાવી ઈતિહાસ રચ્યો હતો, સાથે જ પાકિસ્તાનને 114 રનના મોટા માર્જિનથી હરાવી સતત ચાર મેચમાં જીત મેળવી સેમિ ફાઈનલમાં દમદાર એન્ટ્રી કરી હતી.

T20 વર્લ્ડકપમાં 200નો સ્કોર

T20 વર્લ્ડકપના ઇતિહાસમાં 200 રનનો આંકડો પાર કરનાર ઈંગ્લેન્ડ વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની હતી. આ પહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. 2020 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ થાઈલેન્ડ સામે ત્રણ વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડની આક્રમક બેટિંગ

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 213 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમની મિડલ ઓર્ડર બેટ્સમેન નેટ સાયવર બ્રન્ટે 40 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 202.50 રહી હતી. આ સિવાય ઓપનર ડેનિયલ વ્યાટે 33 બોલમાં 59 રન અને એમી જોન્સે 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 31 બોલમાં 47 રન બનાવ્યા હતા.


ચારેય લીગ મેચમાં ઈંગ્લેન્ડની જીત

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 99 રન જ બનાવી શકી હતી. આ રીતે ઈંગ્લેન્ડે આ મેચમાં 114 રનથી મોટી જીત મેળવી હતી. વર્લ્ડ કપની લીગ મેચોમાં ઈંગ્લેન્ડ એકપણ મેચ હાર્યું નથી. ટીમ ચારેય મેચ જીતી હતી. જેમાં ઈંગ્લિશ ટીમે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે, આયરલેન્ડને 4 વિકેટે, ભારતને 11 રનથી અને પાકિસ્તાનને 114 રનથી હરાવ્યું હતું.

  • Follow us on: