• પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું
  • મેસ્સીએ 35મી મિનિટે પહેલો, અલ્વારેઝે 57મી મિનિટે બીજો ગોલ કર્યો
  • વર્લ્ડકપમાં આર્જેન્ટિના તરફથી સૌથી વધુ 9 ગોલ કરનાર ખેલાડી બન્યો

FIFA વર્લ્ડકપ 2022માં શનિવારે મોડી રાત્રે રમાયેલ પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે શાનદાર ગેમ બતાવી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું અને આ સાથે જ આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મેસ્સીએ રચ્યો ઈતિહાસ

આજની મેચમાં લિયોનેલ મેસ્સીએ ઈતિહાસ રચી દીધો છે. આ તેની કારકિર્દીની એક હજારમી મેચ હતી. આ ઉપરાંત મેસ્સી વર્લ્ડકપમાં આર્જેન્ટિના તરફથી સૌથી વધુ 9 ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. તેણે દિગ્ગજ મેરાડોનાને પાછળ છોડી દીધો છે. વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીએ 9મો ગોલ કર્યો હતો.

મેસ્સીએ રોનાલ્ડોને પાછળ છોડી દીધો

આજની મેચમાં પહેલો ગોલ મેસ્સીએ કર્યો હતો. તેણે મેચની 35મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ સાથે મેસ્સીએ વર્લ્ડકપમાં ગોલ મામલે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે. મેસ્સીના આ ગોલના કારણે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

જુલિયન અલ્વારેઝે બીજો ગોલ કર્યો

આ પછી બીજા હાફમાં ફરી એકવાર આર્જેન્ટિનાએ પોતાની આક્રમક રમત બતાવી અને 57મી મિનિટે બીજો ગોલ કરીને વિજયી લીડ મેળવી લીધી. આ બીજો ગોલ જુલિયન અલ્વારેઝે કર્યો હતો. જોકે આ પછી આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝે 77મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ ગોલ ઓસ્ટ્રેલિયાના ખાતામાં ઉમેરાયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી. આ રીતે આર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી લીધી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે ટક્કર

આર્જેન્ટિનાની ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ્સ સાથે ટકરાશે. આ મેચ શુક્રવારે (9 ડિસેમ્બર) ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં જીતનાર ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. હવે લિયોનેલ મેસ્સી વર્લ્ડકપ ટાઈટલ જીતવાથી માત્ર 3 જીત દૂર છે. ક્વાર્ટર ફાઈનલ જીતવા સિવાય મેસ્સીની ટીમ હજુ સેમીફાઈનલ અને ફાઈનલ જીતી શકી નથી.

મેસ્સીનો નોકઆઉટમાં પ્રથમ ગોલ કર્યો

મેસ્સીએ તેની કારકિર્દીમાં આર્જેન્ટિના, બાર્સેલોના ક્લબ અને પીએસજી ક્લબ માટે કુલ એક હજાર મેચ રમી છે. આ દરમિયાન તેણે 789 ગોલ કર્યા છે. મેસ્સીએ વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત નોકઆઉટ રાઉન્ડમાં ગોલ કર્યો હતો.

  • Follow us on: