• એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
  • અશ્વિન અને ચહલને ટીમમાં ન મળ્યું સ્થાન
  • મદન લાલે ટીમ સિલેક્શન પર સવાલ ઉભા કર્યા

ભારતીય ટીમની સીનિયર પસંદગી સમિતિએ 21 ઓગસ્ટે આગામી એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં લાંબા સમય બાદ અનેક ખેલાડીઓની વાપસી જોવા મળી છે. જેમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર મુખ્ય છે. આ ઉપરાંત એવા પણ ખેલાડી છે, જેનું નામ નજરઅંદાજ કરવામાં આવ્યું છે. જેમાં રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ મુખ્ય છે. આ તમામ વચ્ચે હવે વર્ષ 1983માં વર્લ્ડકપ અપાવનારી ટીમના ખેલાડી મદન લાલે ટીમ પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે ગંભીર સવાલ પણ પૂછ્યા છે.

ટીમમાં ફિટનેસ ચિંતાનો વિષય

પૂર્વ ભારતીય ખેલાડી મદન લાલે કહ્યું કે, આપણે જેવી આશા હતી, તેવી જ ટીમ પસંદ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ફિટનેસ ચિંતાનો વિષય છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર હજુ એક પણ મેચ રમ્યા નથી. એશિયા કપ જેવી ઈવેન્ટમાં સીધું રમવું એ બિલકુલ અલગ વસ્તુ છે. કારણ કે, આ ઈવેન્ટમાં તમારી ફિટનેસ 100 ટકાથી વધુ હોવી જોઈએ.

અશ્વિન અને ચહલને ટીમમાં ન મળ્યું સ્થાન

સાથે જ મદનલાલે એશિયા કપ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિનને સામેલ ન કરવા અંગે કહ્યું કે, હું ચહલ અને અશ્વિનનું નામ ટીમમાં ન જોઈને થોડો હેરાન થયો છું. ઉલ્લેખનીય છે કે, આ મહત્વની ટૂર્નામેન્ટ માટે ટીમમાં કુલદીપ યાદવ ઉપરાંત અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્પિનર તરીકે સામેલ કરાયા છે.

રાહુલ હજુ સંપૂર્ણ ફિટ થયો નથી

એશિયા કપની ટીમની જાહેરાત બાદ મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે શ્રેયસ અય્યરને સંપૂર્ણ ફિટ કહ્યો છે, જ્યારે કેએલ રાહુલ ટૂર્નામેન્ટની શરૂઆતી 2 મેચ નહીં રમી શકે તેવું નિવેદન આપ્યું છે. અગરકરે કહ્યું હતું કે, રાહુલને હજુ થોડી સમસ્યા છે. જે ઠીક થવામાં થોડો સમય લાગી શકે છે.

  • Follow us on: