- પેરિસ ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોથી ઘેરાયુ
- મહિલા એથ્લેટ હિજાબ પહેરવા બદલ ભેદભાવનો શિકાર બની
- મહિલા એથ્લેટને ઓપનિંગ સેરેમનીમાં એન્ટ્રી ન અપાઇ
પેરિસ ઓલિમ્પિક ગેમ્સનું હજુ ઉદઘાટન પણ થયું નથી અને તે પહેલા જ વિવાદો ઉભા થવા લાગ્યા છે. પહેલા આર્જેન્ટિના vs મોરોક્કો ફૂટબોલ મેચ ચર્ચાનું કેન્દ્ર બની હતી અને હવે ફ્રાન્સની એક મહિલા એથ્લેટ હિજાબ પહેરવા બદલ ભેદભાવનો શિકાર બની છે. ફ્રેન્ચ દોડવીર સૂનકામ્બા સિલાએ કહ્યું છે કે તેને શુક્રવારે યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહી છે. ફ્રાન્સની ઓલિમ્પિક કમિટીનું કહેવું છે કે તે આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કોઈ ઉકેલ મળી જશે.
ઓપનિંગ સેરેમનીમાં એન્ટ્રી ન અપાઇ
સૂનકામ્બા સિલા એક ફ્રેન્ચ મહિલા છે અને 400 મીટરની દોડમાં ભાગ લેનારી મિશ્ર ટીમની સભ્ય છે. ઓપનિંગ સેરેમનીમાં એન્ટ્રી ન મળવા સામે વાંધો વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે, "ઓલિમ્પિક માટે મારી પસંદગી થઈ છે, આ ગેમ્સ મારા જ દેશમાં યોજાઈ રહી છે, પરંતુ હું માત્ર હિજાબ પહેરું છું એટલે ઓપનિંગ સેરેમનીમાં ભાગ લઈ શકતા નથી."
ફ્રેન્ચ ઓલિમ્પિક સમિતિના પ્રમુખ ડેવિડ લેપાર્ટીન્ટે જણાવ્યું હતું કે ફ્રેન્ચ એથ્લેટ્સ બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોથી બંધાયેલા છે, જે દેશના જાહેર ક્ષેત્રોમાં કામ કરતા તમામ લોકોને લાગુ પડે છે. આ સિદ્ધાંત હેઠળ હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે.
સમાધાન માટે વાટાઘાટો ચાલુ
ડેવિડ લેપાર્ટીન્ટે કહ્યું કે આ મામલાને ઉકેલવા માટે સિલા સાથે વાતચીત ચાલી રહી છે. ફ્રેન્ચ એથ્લેટ્સની બિનસાંપ્રદાયિકતાને નુકસાન ન થાય અને સિલાના અંગત વિચારોનું પણ સન્માન કરી શકાય તે રીતે ઉકેલ શોધવામાં આવશે. તમને જણાવી દઈએ કે સિલા દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ઘણા ફ્રેન્ચ એથ્લેટ્સે પણ તેના તરફ પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે સિલા આ પહેલા પણ હિજાબ પહેરીને ઘણી મોટી ઈવેન્ટ્સમાં ભાગ લઈ ચુકી છે. 2022 અને 2023ની વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ અને મે 2024માં યોજાયેલી વર્લ્ડ રિલેમાં તેને હિજાબ પહેરવા સામે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો.