- ઓમાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બિલાલ ખાને વનડે ક્રિકેટમાં ધૂમ મચાવીને ઈતિહાસ રચી દીધો છે
- ઓમાનના આ બોલરે જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદી જેવા બોલરોને પાછળ છોડી દીધા છે
- બિલાલ ખાને નામીબિયા સામેની મેચમાં આ રેકોર્ડ હાંસલ કર્યો
ઓમાન ક્રિકેટ ટીમના બોલર બિલાલ ખાને વનડે ક્રિકેટમાં ધૂમ મચાવી છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. બિલાલ ખાને બુધવારે નામીબિયા સામે રમાયેલી મેચમાં 3 વિકેટ લઈને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફાસ્ટ બોલરે ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ, પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન આફ્રિદી અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્ક જેવા બોલરોને પાછળ છોડી દીધા છે.
કયો રેકોર્ડ બનાવ્યો?
નામિબિયા સામેની મેચમાં બિલાલ ખાને 3 વિકેટ ઝડપી હતી. આ 3 વિકેટ સાથે તે ફાસ્ટ બોલર તરીકે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બિલાલ ખાને માત્ર 49 મેચમાં 100 વિકેટ લીધી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના નામે હતો, જેણે 51 મેચમાં 100 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્ક છે, જેણે 52 મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 56 અને જસપ્રિત બુમરાહે 57 મેચમાં 100 વિકેટ ઝડપી હતી.
સ્પિન બોલરોમાં કોણ નંબર-1?
બિલાલ ખાન વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર છે. વનડે ક્રિકેટમાં સ્પિન બોલિંગ દરમિયાન સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ નેપાળના લેગ સ્પિનર સંદીપ લામિછાણેના નામે છે. લામિછાનેએ માત્ર 42 મેચમાં 100 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં બીજા સ્થાને અફઘાનિસ્તાનનો અનુભવી લેગ સ્પિનર રાશિદ ખાન છે, જેણે 44 મેચમાં 100 વિકેટ ઝડપી છે.