- ગિલની બીમારીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
- ગિલના બેકઅપ માટે 2 ખેલાડીના નામની ચર્ચા
- પાકિસ્તાન વિરુદ્ધ ગિલના રમવા પર સવાલ
ક્રિકેટ વર્લ્ડકપ 2023ની શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાંથી બહાર થયો છે. હવે ગિલનું પાકિસ્તાન વિરુદ્ધ રમવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ગિલની બીમારીને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા એક મોટું પગલું ઉઠાવવાની તૈયારીમાં છે.
બેકઅપ તરીકે સામેલ થઈ શકે આ 2 ખેલાડી
મળતી માહિતી મુજબ, જો ગિલ સમય પર ફિટ થશે નહીં, તો ટીમ ઈન્ડિયા બેકઅપ ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અથવા ઋતુરાજ ગાયકવાડને સામેલ કરી શકે છે. આ બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ફરી એક વખત આ બંને બેટ્સમેનને મોટી જવાબદારી આપી શકે છે. યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં નેપાળ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. તે આવું કરનારો પ્રથમ ભારતીય બન્યો છે. સાથે ગાયકવાડે શાનદાર નૈતૃત્વ કર્યું હતું. તેમણે સેમીફાઈનલમાં ફિફ્ટી ફટકારી હતી.
હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયો શુભમન ગિલ
શુભમન ગિલને વર્લ્ડકપ શરૂ થયા પહેલાં ડેન્ગ્યૂ થયો હતો. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમી શક્યો નહતો. આ તમામ વચ્ચે સમાચાર આવ્યા હતા કે, સોમવારે તેના પ્લેટલેટ્સ અચાનક ઓછા થઈ ગયા હતા. જેના કારણે તેને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, રિપોર્ટ્સ અનુસાર હવે તે ડિસ્ચાર્જ થઈ ગયો છે, પરંતુ તે ભારત અને પાકિસ્તાન મેચમાં ભાગ લઈ શકશે નહીં.