• વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમને ઝટકો
  • ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો
  • દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરિઝ પહેલાં મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો

વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમના ટેન્શનમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમનો દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે ટીમથી બહાર થયો છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 ઓગસ્ટથી T-20 અને વનડે સીરિઝ રમવામાં આવશે. મેક્સવેલ આ T-20 સીરિઝમાં રમશે નહીં.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે અને T-20 સીરિઝ રમશે

ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ઓસ્ટ્રેલિયાની ટીમ 5 વનડે અને 3 T-20 મેચ રમશે. મેક્સવેલ T-20 સીરિઝ માટે ડરબનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો છે. જેથી તે ઓસ્ટ્રેલિયા પરત આવ્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર એ છે કે, મેક્સવેલને ગંભીર ઈજા પહોંચી નથી.

ઓસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટરે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટર ટોની ડોડેમેડે મેક્સવેલને ઈજા થવા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ટીમ મેક્સવેલને લઈ કોઈ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. અમે મેક્સવેલની રિકવરી પર ધ્યાન આપશું. અમને આશા છે કે, મેક્સવેલ વર્લ્ડકપ પહેલાં ભારત વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.

મેક્સવેલ 128 વનડે મેચ રમ્યો

ઉલ્લેખનીય છે કે, મેક્સવેલ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી છે. તે અત્યાર સુધી 128 વનડે મેચ રમ્યા છે. જેમાં તેમણે 3 હજાર 490 રન બનાવ્યા છે. મેક્સવેલે 2 સદી અને 23 ફિફ્ટી પણ ફટકારી છે. આ સાથે જ મેક્સવેલે 60 વિકેટ પણ લીધી છે. મેક્સવેલ 98 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં મેક્સવેલે 2 હજાર 159 રન બનાવ્યા છે. મેક્સવેલે આ ફોર્મેટમાં 3 સદી અને 10 ફિફ્ટી ફટકારવા સાથે 39 વિકેટ પ્રાપ્ત કરી છે.

  • Follow us on: