- ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ અમદાવાદ આવ્યો
- 14 ઓક્ટોબરે રમાશે ભારત-પાક મેચ
- લોકોમાં મેચને લઈને જબરો ઉત્સાહ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ આવ્યો છે.
મળતી માહિતી મુજબ ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ આવ્યો છે. સ્ટાર ઓપનર હાલ ડેન્ગ્યુથી રિકવર થઈ રહ્યો છે. જેને લઇ BCCIની મેડિકલ ટીમ શુભમન ગિલની હેલ્થ પર નજર રાખી રહી છે. ભારતીય ટીમ 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની છે. શુભમન ગિલને ડેન્ગયુ થયો હોવાથી તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શક્યો ન હતો. આજે શુભમન ગિલ ચેન્નાઈથી અમદાવાદ આવ્યો છે.
BCCIની મેડિકલ ટીમ શુભમન ગિલની હેલ્થ પર રાખી રહી છે નજર
જણાવી દઈએ કે, શુભમન ગિલ ડેન્ગયુથી પીડિત થયો હતો અને તેના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા 1 લાખથી ઓછી થવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, એક રાત હોસ્પિટલમાં રોકાયા બાદ તેને રજા આપવામાં આવી હતી. હાલ શુભમન ગિલ સામે મેચ માટે ફિટ થવાનો પડકાર છે. અમદાવાદના ગ્રાઉન્ડ પર ગિલનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં તેની વાપસીથી ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત થઈ જશે.
ભારત અને પાકિસ્તાનની મેચની રાઈવલરીની એક અલગ જ કહાણી છે. આ બંને દેશોની ક્રિકેટ રાઈવલરી દુનિયાની સૌથી એક્સટ્રીમ અને રોમાંચક ક્રિકેટ રાઈવલરી ગણાય છે. બંને દેશોના ખેલાડીઓ તો મેદાનમાં એકબીજાની સામે ટકરાય જ છે પરંતુ તેનો અસલી કરંટ તો મેદાનની બહાર ભેગા થયેલા બંને દેશોના પ્રેક્ષકોની વચ્ચે જોવા મળતો હોય છે.
હ્યાત હોટલમાં રોકાશે ટીમ પાકિસ્તાન
નોંધનીય છે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ યોજાનાર છે. જેને લઈને હાલ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ગયા છે. હાલ પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં આવેલી હ્યાત હોટલમાં રોકાશે. આ મેચને લઈને તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસ ઉપરાંત CISF, CRPF અને SRP જેવા સુરક્ષા દળોની પણ હાજરી હશે.
હજારોની સંખ્યામાં હશે પ્રેક્ષકોની ભીડ
નોંધનીય છે કે આ મેચને લઈને હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવે તેવી સંભાવના છે. ઉપરાંત આ મેચને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ હુમલો કરવાની ધમકી પણ આપી છે, આથી જ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. જેથી સુરક્ષા વ્યવસ્થા એકદમ ટાઈટ રહેશે.
પ્રેક્ષકોને પર્સ અને મોબાઈલની જ મંજૂરી
આ મામલે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મેચોમાં દર્શકોને માત્ર પર્સ અને મોબાઈલ ફોન જ અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. ખાલિસ્તાની આતંકીની ધમકીને લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પન્નુના અવાજમાં કથિત વિદેશી નંબર ઉપરથી પ્રી રેકોર્ડેડ વોઈસ મેસેજ સાથે ધમકી આપવામાં આવી હતી.