• ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો
  • હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો
  • વીડિયોને લઇ વિવાદ થતા હરભજન સિંહે માંગી માફી

ભારતીય ક્રિકેટર હરભજન સિંહે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેણે ભારે વિવાદ સર્જ્યો છે. મામલો વેગ પકડતો જોઈને હરભજને આખરે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને માફી માંગતું નિવેદન પણ જાહેર કર્યું છે. ભારતનો ઓફ સ્પિન બોલર હરભજન કહે છે કે તે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો ન હતો. તમને જણાવી દઈએ કે હરભજને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વિવાદાસ્પદ ડાન્સ વીડિયો ડિલીટ કરી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ચેમ્પિયન બન્યું છે. આ પછી હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેના સિવાય યુવરાજ સિંહ અને સુરેશ રૈના તૌબા તૌબા ગીત પર લંગડાતા જોવા મળી રહ્યા છે. ખેલાડીઓએ લંગડાતા વિકી કૌશલના વાયરલ સ્ટેપની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે. હરભજને કેપ્શનમાં એમ પણ લખ્યું છે કે 15 દિવસ સુધી સતત ક્રિકેટ રમ્યા બાદ તેમના શરીરમાં દુખાવો થવા લાગ્યો છે.

આ વીડિયો સામે આવતાની સાથે જ પેરાલિમ્પિક કમિટી, ઘણા પેરા એથ્લેટ્સ અને નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ (NCPEDP) એ પણ હરભજન વિરુદ્ધ FIRની માંગ કરી હતી. આ મામલો વધુ ગંભીર બને તે પહેલા હરભજન સિંહે લોકોની માફી માંગી લીધી છે.

હરભજને માફી માંગી

હરભજન સિંહે એક નિવેદન આપતાં કહ્યું કે અમે દરેક વ્યક્તિ અને સમગ્ર સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી. જે વીડિયો મેં શેર કર્યો તે 15 દિવસ સુધી ક્રિકેટ રમ્યા બાદ અમારા શરીરની સ્થિતિ વ્યક્ત કરવા માટે હતો.


અમે કોઈની લાગણી દુભાવવા માંગતો નથી

હરભજને પોતાના નિવેદનમાં કહ્યું કે, "અમારૂં શરીર દુઃખી રહ્યું હતું, અમે કોઈની લાગણી દુભાવવા માંગતા ન હતા. હજુ પણ તમે લોકો એવું માનો છો કે અમે ખોટા છીએ તો હું બધાની માફી માંગુ છું. કૃપા કરીને આ વાતને અહીં સમાપ્ત કરો અને દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.

  • Follow us on: