• હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો છોડ્યો સાથ
  • મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હાર્દિક પંડ્યા
  • ટીમ મેનેજમેન્ટે હાર્દિકના જવાની માહિતી આપી

ગુજરાત ટાઇટન્સે જાહેરાત કરી કે હાર્દિક પંડ્યા TATA IPLમાં તેમની સાથે બે સફળ સિઝન પછી ફ્રેન્ચાઇઝી છોડી રહ્યો છે. ટીમ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન હાર્દિકે તેની શક્તિનું પ્રદર્શન કર્યું અને ફ્રેન્ચાઇઝી પર અમીટ છાપ છોડી છે.

ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટરે આપી માહિતી

ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીને બે શાનદાર સિઝન આપવામાં મદદ કરી છે. જેના પરિણામે ગુજરાત ટાઈટન્સ એક TATA IPL જીત્યું અને બીજી સિઝનમાં ગુજરાત રનરઅપ રહ્યું હતું. હાર્દિક હવે પોતાની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેમના ભાવિ પ્રયાસોમાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

ગુજરાત ટાઇટન્સ વિશે

ગુજરાત ટાઇટન્સે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 દરમિયાન તેમની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ટીમ પોતાની બીજી સિઝનમાં પણ રનરઅપ રહી હતી. IPL 2023માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈએ જીતીને IPL ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે હાર્દિક પંડ્યાએ ટીમનો સાથ છોડ્યો છે. જેથી ગુજરાત ટાઈટન્સે યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલને IPL 2024 માટે કેપ્ટન બનાવ્યો છે.

  • Follow us on: