• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે વોર્મ-અપ મેચ
  • રિષભ પંત અને હાર્દિક પંડ્યાની તોફાની ઇનિંગ્સ

T20 વર્લ્ડકપની તૈયારી માટે તમામ ટીમો વોર્મ-અપ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયાને તેની તૈયારીઓ માટે માત્ર એક જ મેચ મળી છે. આ મેચ બાંગ્લાદેશ સામે છે. T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા જોરદાર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

પંતની તોફાની ઇનિંગ્સ

આ મેચમાં રિષભ પંત ત્રીજા સ્થાને રમવા આવ્યો હતો. તેણે 32 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. પંતે 4 ચોગ્ગા-4 છગ્ગા ફટકાર્યા અને 165.63ના સ્ટ્રાઈક રેટથી કુલ 53 રન બનાવ્યા. આ દરમિયાન તેણે એક પછી એક સ્ટાઇલિશ શોટ કર્યા. આ પછી તે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. પંતે 22 નવેમ્બર 2022ના રોજ નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જે બાદ તે અકસ્માતનો ભોગ બન્યો હતો અને ઘાયલ થયો હતો. પંતે તાજેતરમાં આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. હવે તેણે વોર્મ અપ મેચમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ચાહકોને ખુશ કરી દીધા છે.

હાર્દિક પંડ્યાનો મોટો ધમાકો

વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં છઠ્ઠા સ્થાને ઉતર્યો હતો. તેણે 23 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા અને 173.91ના સ્ટ્રાઈક રેટથી અણનમ 40 રન બનાવ્યા. વર્લ્ડકપની મુખ્ય મેચો પહેલા હાર્દિકના શાનદાર ફોર્મે ટીકાકારોને ચૂપ કરી દીધા છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ એક ઓવરમાં બેક ટુ બેક 3 સિક્સર ફટકારી હતી. પંડ્યાએ 17મી ઓવરમાં પ્રથમ, બીજા અને ત્રીજા બોલ પર ગગનચૂંબી સિક્સર ફટકારી હતી.

શિવમ દુબેની ચિંતા વધારી

આ મેચમાં IPL સ્ટાર શિવમ દુબે પાંચમા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે ફ્લોપ રહ્યો હતો. દુબેએ 16 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. તેણે સિક્સર ફટકારી હતી, પરંતુ તે બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. દુબેના ફોર્મથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

સૂર્યાએ 31 રન બનાવ્યા હતા

સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે આવ્યો હતો. તેણે 172.22ની સ્ટ્રાઈક રેટથી 18 બોલમાં 4 ચોગ્ગા સાથે 31 રન બનાવ્યા. શાનદાર બેટિંગ કરી રહેલા સૂર્યા 17મી ઓવરમાં તનવીર ઈસ્લામનો શિકાર બન્યો હતો. તૌહીદ હૃદયે સૂર્યકુમાર યાદવનો કેચ પકડ્યો હતો. રવિન્દ્ર જાડેજા 6 બોલમાં 4 રન બનાવીને અણનમ રહ્યો હતો.


  • Follow us on: