• હાશિમ અમલાને તેમની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન તેની બેટિંગ માટે ઘણી તાળીઓ મળી
  • અમલાને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડયો હતો
  • 2006માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સે કોમેન્ટ્રી દરમિયાન તેને આતંકવાદી કહ્યો હતો

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હાશિમ અમલા આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમલાની ગણતરી દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેમની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન અમલાએ તેની બેટિંગ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. લાંબી દાઢી ધરાવતા અમલા જ્યારે પિચ પર સેટ થયા ત્યારે તેમને આઉટ કરવા મુશ્કેલ બની ગયો હતો. જો કે, તેને તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કીધુ હતું

જ્યારે આ અનુભવીએ અમલાને આતંકવાદી કહ્યો હતો.2006માં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સે કોમેન્ટ્રી દરમિયાન તેને આતંકવાદી કહ્યો હતો. આ ઘટના દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે કોલંબો ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. તે ટેસ્ટ મેચમાં અમલાએ કુમાર સંગાકારાનો કિમતી કેચ લીધો હતો. તે કેચ બાદ જોન્સે કહ્યું હતું - આતંકી અમલાએ કેચ લીધો અને તેની સાથે બીજી વિકેટ પણ લીધી. ડીન જોન્સની આ ટિપ્પણી બાદ તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જોન્સે પાછળથી માફી માંગી. જોન્સનું નિધન 24 સપ્ટેમ્બર 2020 ના રોજ મુંબઈમાં થયું હતું.

બેટથી આપ્યો જવાબ

આ આરોપોની હાશિમ અમલાની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર થઈ ન હતી અને તેણે બેટથી યોગ્ય જવાબ આપ્યો હતો. અમલાએ ડિસેમ્બર 2004માં કોલકાતામાં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પછી ફેબ્રુઆરી 2019માં, તેણે પોર્ટ એલિઝાબેથમાં શ્રીલંકા સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી. આ સિવાય તેણે 2008માં બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. અમલાએ તેની છેલ્લી વનડે મેચ જૂન 2019માં શ્રીલંકા સામે વર્લ્ડ કપમાં રમી હતી. અમલાએ 2009માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.


આ કારણે અમલાને દંડ ભરવો પડયો

હાશિમ અમલા ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે. આ કારણે તેને તેની કારકિર્દી દરમિયાન દંડ પણ ભરવો પડયો હતો. ખરેખર, દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર કેસલ નામની બિયર કંપની હતી. અમલાએ પોતાની જર્સી પર બિયર કંપનીનો લોગો લગાવવાની ના પાડી દીધી હતી. આ કારણે તેણે કંપનીને દર મહિને $500નો દંડ ભરવો પડતો હતો.હાશિમ અમલાના ભારત સાથે ખાસ સંબંધ છે. અમલાના દાદા ગુજરાતના હતા અને બિઝનેસ માટે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા. હાશિમ અમલાના મોટા ભાઈ અહેમદ અમલા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. હાશિમ (1997/98)ના ત્રણ વર્ષ પહેલા અહેમદે પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો.

આવો છે અમલાનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે 124 ટેસ્ટ, 181 વનડે અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં 46.64ની એવરેજથી 9282 રન બનાવ્યા, જેમાં 28 સદી અને 41 અડધી સદી સામેલ છે. જ્યારે ODIમાં અમલાના નામે 49.46ની એવરેજથી 8113 રન છે. અમલાએ ODIમાં 27 સદી અને 39 અડધી સદી ફટકારી છે. અમલાએ T20 ઇન્ટરનેશનલમાં 33.60ની એવરેજથી 1277 રન બનાવ્યા, જેમાં આઠ અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં અમલાનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 311 રન છે. આ સિવાય ODIમાં અમલાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 159 અને T20Iમાં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન છે. હાશિમ અમલા દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે (311* વિ. ઈંગ્લેન્ડ, 2012). હાશિમ અમલાએ વન ડે ઈન્ટરનેશનલમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે સૌથી નાની ઇનિંગ્સમાં 3000, 4000, 6000 અને 7000 ODI રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

  • Follow us on: