• ક્લાસેનની તૂફાની ઈનિંગ
  • 44 બોલમાં ફટકાર્યા 110 રન
  • 19.2 ઓવરમાં મેચ જીતી

અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટમાં હેનરિક ક્લાસેને સદી ફટકારી છે. IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ રહેલા હેનરિક ક્લાસેન MLCમાં સિએટલ ઓર્કોસ ટીમ તરફથી રમી રહ્યા છે. જેમાં તેમણે એમઆઈ ન્યૂયોર્ક વિરુદ્ધના મેચમાં 44 બોલમાં 110 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં ક્લાસેને 9 ફોર અને 7 સિક્સ પણ ફટકાર્યા હતા. આ મેચને સિએટલ ઓર્કોસે 2 વિકેટે પોતાના નામે કરી છે.

195 રનનો મળ્યો હતો ટાર્ગેટ

એમઆઈ ન્યૂયોર્કે આ મેચમાં પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. એમઆઈની ઈનિંગમાં નિકોલસ પૂરણે 65 રન બનાવ્યા હતા. સાથે કેપ્ટન પોલાર્ડે પણ 34 રન બનાવ્યા હતા. સિએટલ તરફથી ઈમાદ વસીમ અને હરમીતસિંહે 2-2 વિકેટ, જ્યારે ગૈનન અને એન્ડ્ર્યૂ ટાયે 1-1 વિકેટ લીધી છે.

ક્લાસેને અણનમ 110 રન બનાવ્યા

195 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સિએટલ ઓર્કોસે 37ના સ્કોર પર પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ નૌમાન અનવર અને ક્લાસેને સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો હતો. અનવર 51 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ક્લાસેને 16મી ઓવરમાં રશિદ ખાન વિરુદ્ધ 3 સિક્સ અને 1 ફોર લગાવી 26 રન લીધા હતા. ક્લાસેનની આ 110 રનની અણનમ ઈનિંગના કારણે સિએટલે 19.2 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

પ્લેઓફમાં ટેક્સાસ સુપર કિંગ્સ સાથે સિએટલનો મેચ

મેજર લીગ ક્રિકેટમાં 27 જુલાઈથી પ્લોઓફ મેચની શરૂઆત થશે. જેમાં ક્વોલીફાયર-1માં સિએટલ ઓર્કોસની ટક્કર ટેક્સાસ સુપર કિંગ્સ સાથે થશે. સાથે આ એલિમિનેટર મેચમાં વોશિંગ્ટન ફ્રીડમની ટક્કર એમઆઈ ન્યૂયોર્ક સાથે થશે. આ ઉપરાંત 28 જુલાઈએ બીજો ક્વોલીફાયર મેચ રમાશે અને 30 જુલાઈના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે.

  • Follow us on: