- સુપર કિંગ્સ 3 વિકેટે મેચ જીત્યું
- 19.1 ઓવરમાં સુપર કિંગ્સે મેળવી જીત
- ગેરાલ્ડ કોટઝીએ 4 વિકેટ લીધી
મેજર લીગ ક્રિકેટ 2023માં ટેક્સાસ સુપર કિંગ્સ સૈન ફ્રાંસિસ્કો યૂનિકોર્ન્સ વિરુદ્ધ 3 વિકેટે જીત્યું છે. આ જીત સાથે જ હવે ટેક્સાસ સુપર કિંગ્સની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આ મેચમાં 172 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી સુપર કિંગ્સે 7 વિકેટના નુકસાને 19.1 ઓવરમાં જ જીત મેળવી છે. જેમાં ડેનિયલ સેમ્સે મેચ વિનિંગ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
ટોસ જીતીને બટિંગ લીધી હતી
સૈન ફ્રાંસિસ્કો યૂનિકોર્ન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ મેથ્યૂ વેડના 49 અને ચૈતન્યા બિશ્નોઈના 35 રનની મદદથી ટીમે 171 રન બનાવ્યા હતા. સુપર કિંગ્સ તરફથી બોલિંગમાં ગેરાલ્ડ કોટઝીએ 4 જ્યારે, ડેનિયલ સૈમ્સ અને મિચેલ સેન્ટરે 2-2 વિકેટ લીધી હતી.
11 રન પર 2 વિકેટ
સુપર કિંગ્સ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી, ત્યારે તેની શરૂઆત સારી નહતી રહી. ટીમે 11 રનના સ્કોર પર જ 2 વિકેટ ગુમાવી હતી. જે બાદ ડેવોન કોનવેએ મિલિંદ કુમાર સાથે મળીને 50 રન સુધી સ્કોર પહોંચાડ્યો હતો. 92 રનના સ્કોર સુધી સુપર કિંગ્સની અડધી ટીમ આઉટ થઈ હતી. જે બાદ મિલિંદ કુમાર અને ડેનિયલ સૈમ્સની 50થી વધુ રનની પાર્ટનરશીપે મેચને સુપર કિંગ્સ તરફ કરી દીધી હતી.
મિલિંદ કુમારે 52 રન બનાવ્યા
મિલિંદ કુમાર આ મેચમાં 42 બોલમાં 52 રન બનાવીને આઉટ થયા હતા. જે બાદ ડેનિયલ સૈમ્સ 18 બોલમાં 2 ફોર અને 6 સિક્સની મદદથી 42 રનની ઈનિંગ રમ્યા હતા. સૈન ફ્રાંસિસ્કો તરફથી હારિસ રઉફ અને શાદાબ ખાને 2-2 વિકેટ, જ્યારે લિયમ પ્લંકેટ, રૉક્સ અને માર્ક્સ સ્ટોઈનિસે 1-1 વિકેટ લીધી હતી.
પ્લેઓફમાં 3 ટીમને મળ્યું સ્થાન
મેજર લીગ ક્રિકેટના પ્રથમ સિઝનના પ્લેઓફ માટે અત્યાર સુધી 3 ટીમ પ્લેઓફમાં પહોંચી છે. જેમાં પ્રથમ સ્થાન પર સિએટલ ઓર્કોસ, બીજા સ્થાને ટેક્સાસ સુપર કિંગ્સ અને ત્રીજા સ્થાને વોશિંગ્ટન ફ્રિડમ છે. હવે ચોથા સ્થાન માટે એમઆઈ ન્યૂયોર્ક અને સૈન ફ્રાંસિસ્કો યૂનિકોર્ન્સ વચ્ચે રેસ ચાલી રહી છે. એમઆઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પોતાની છેલ્લી મેચ જીતવી પડશે.