• હોકી ઈન્ડિયાના CEO પદેથી એલેના નોર્મને રાજીનામું આપ્યું છે
  • એલેના નોર્મન છેલ્લા 13 વર્ષથી હોકી ઈન્ડિયાના CEO હતા
  • તેમના કાર્યકાળમાં ભારતીય હોકી ટીમે શ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ હાંસલ કર્યું

હોકી ઈન્ડિયાના CEO પદેથી એલેના નોર્મને રાજીનામું આપી દીધું છે. એલેના નોર્મન છેલ્લા 13 વર્ષથી હોકી ઈન્ડિયાના CEO હતા. હવે તેમણે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. એલેના નોર્મનના કાર્યકાળ દરમિયાન ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોએ નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. આ સમયગાળા દરમિયાન ભારતીય હોકી ટીમે શ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ હાંસલ કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું. ભારતીય પુરુષ ટીમે 41 વર્ષના લાંબા ગાળા બાદ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી.

એલેના નોર્મનનો કાર્યકાળ કેવો રહ્યો?

ભારતીય હોકી ફેડરેશન એલેના નોર્મનના નેતૃત્વ હેઠળ, 2018 અને 2023 માં મેન્સ હોકી વર્લ્ડ કપની સતત બે સિઝનનું આયોજન કર્યું હતું. આ સિવાય 2016 અને 2021માં બે જુનિયર મેન્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. હોકી ઈન્ડિયા લીગની પાંચ સિઝન પણ સફળતાપૂર્વક હોસ્ટ કરી. એલેના નોર્મનના કાર્યકાળમાં, હોકી ઇન્ડિયાએ FIH ચેમ્પિયન્સ ટ્રોફી, 2015 અને 2017માં FIH વર્લ્ડ લીગ ફાઇનલ્સ, 2019 અને 2024માં FIH ઓલિમ્પિક ક્વોલિફાયર તેમજ FIH હોકી પ્રો લીગ ડોમેસ્ટિક ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય હોકી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ શું કહ્યું?

હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ એલેના નોર્મનના રાજીનામા પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે હું એલેનાનો તેના સમય અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. માત્ર હોકી ઈન્ડિયાના પ્રમુખ તરીકે જ નહીં, પરંતુ એક ભૂતપૂર્વ ખેલાડી અને પ્રખર હોકી પ્રેમી તરીકે પણ હું છેલ્લા 12-13 વર્ષોમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઔપચારિક રીતે સ્વીકાર કરવા અને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.

  • Follow us on: