- હું ઈંગ્લેન્ડને સૌથી મુશ્કેલ ટીમ માનતો નથી: રવિન્દ્ર જાડેજા
- ઈજામાંથી સ્વસ્થ થઈને જાડેજા રાજકોટ ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ ગુરુવારથી શરૂ થશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. બન્ને ટીમો 1-1 મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરી છે. હવે આગામી મેચ રાજકોટમાં રમાવા જઇ રહી છે. અહીં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડને સૌથી મુશ્કેલ ટીમોમાંથી એક નથી માનતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવારથી રાજકોટમાં શરૂ થશે.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે ભારતીય ટીમે હૈદરાબાદમાં કેટલીક ભૂલો કરી, નહીંતર તેઓ શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગયા હોત. યાદ કરો કે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવના આધારે 190 રનની લીડ લીધી હતી અને ત્યારબાદ 28 રનથી મેચ હારી હતી.
રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું?
હું એમ ન કહી શકું કે ઈંગ્લેન્ડ સૌથી મુશ્કેલ ટીમોમાંની એક છે. અન્ય ટીમો માટે ભારતમાં આવવું અને રમવું સરળ નથી. જો પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં કોઈ ભૂલ ન થઈ હોત તો અમે મેચ હાર્યા ન હોત. રાજકોટની પીચ સ્પિનરો માટે મદદરૂપ થશે નહીં અને પિચમાં તિરાડ પડવામાં સમય લાગશે. અહીંની પિચ સપાટ અને સખત છે, પરંતુ તે તેમણે શું તૈયાર કર્યું છે તેના પર નિર્ભર રહેશે. ક્યારેક તમે ત્રણ દિવસીય મેચમાં 37 વિકેટો લઈ લો છો, પરંતુ આ પીચ સારી દેખાઇ રહી છે.
અહીંની દરેક મેચમાં પિચ અલગ રીતે વર્તે છે. ક્યારેક તે સપાટ છે, ક્યારેક અહીં ટર્ન આવે છે. ક્યારેક તે પહેલા બે દિવસ સારી રીતે રમે છે અને પછી બોલ ટર્ન થાય છે. હું માનું છું કે તે પહેલા સારૂં રમશે અને પછી ધીમે ધીમે તૂટી જશે અને પછી બોલ સ્પિન થવા લાગશે. અહીંની પિચ હાર્ડ છે પરંતુ આ પિચ પર વિકેટ લઇ શકાય છે.
જાડેજા માટે ખાસ છે રાજકોટ
રાજકોટમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ રમાઈ છે, જેમાં ટીમોએ 3.55ના દરે સ્કોર કર્યો છે. ચોથી ઇનિંગ્સમાં રન રેટ 3.27 હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે બોલરોને વિકેટ લેવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જાડેજા માટે રાજકોટ ખાસ સ્થળ છે, જ્યાં તેણે ઓક્ટોબર 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ સદી ફટકારી હતી.