- 5 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડકપ
- 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે
- તમામ દેશે 5 સપ્ટેમ્બર સુધી ટીમ જાહેર કરવી પડશે
ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે, ત્યારે વર્લ્ડકપને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ICCએ જાહેરાત કરી છે કે, વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ 10 દેશની ટીમોએ 5 સપ્ટેમ્બર સુધી ટીમની જાહેરાત કરવી પડશે. જો કે, આ બાદ પણ ટીમમાં ફેરફાર કરવાની તક મળશે. તમામ દેશ 27 સપ્ટેમ્બર સુધી વર્લ્ડકપ માટે ફાઈનલ ટીમની જાહેરાત કરી શકશે.
કઈ તારીખ સુધી ફાઈનલ લિસ્ટ તૈયાર થઈ શકશે?
ICC અનુસાર, વર્લ્ડકપ માટે તમામ ટીમોએ 5 સપ્ટેમ્બર સુધી પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવી પડશે, જ્યારે વર્લ્ડકપમાં રમનારા ખેલાડીઓના નામની ફાઈનલ યાદી 27 સપ્ટેમ્બર સુધી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ પણ 27 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચ રમશે
એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડકપ માટે BCCI 15થી વધુ ખેલાડીઓના નામની જાહેરાત કરશે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે મેચ રમાશે. આ મેચ ચેન્નઈમાં રમવામાં આવશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમવામાં આવશે. જે બાદ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.