સ્મૃતિ મંધાનાએ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે
હવે તેને આઈસીસી ટી20 રેન્કિંગમાં તેનો ફાયદો થયો છે
રેણુકાના આઈસીસી ટી20 રેન્કિંગમાં વધારો થયો છે
મહિલા ટી20 એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચ સિવાય સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા ખેલાડીઓને આઈસીસી રેન્કિંગમાં તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે. સ્મૃતિ મંધાના અને રેણુકાના આઈસીસી ટી20 રેન્કિંગમાં વધારો થયો છે.
એશિયા કપ 2024ની ફાઈનલમાં ફટકારી અડધી સદી
સ્મૃતિ મંધાના સિવાય અન્ય તમામ બેટ્સમેન મહિલા ટી20 એશિયા કપ 2024ની ફાઈનલમાં ફ્લોપ રહ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 60 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જ્યારે નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને નેપાળ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે કેપ્ટનશિપની જવાબદારી પણ લીધી. હવે સ્મૃતિ મંધાનાને આઈસીસી મહિલા ટી20 રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. તે ચોથા નંબર પર પહોંચી ગઈ છે. તેના 743 રેટિંગ પોઈન્ટ છે.
ટોપ-10માં એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી
સ્મૃતિ મંધાના બેટ્સમેનોની આઈસીસી ટી20 રેન્કિંગના ટોપ-10માં એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. તેમના સિવાય શેફાલી વર્મા 11માં નંબર પર છે. શેફાલીના 631 રેટિંગ પોઈન્ટ છે. તેણે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌર 16માં નંબર પર છે. તેના 607 રેટિંગ પોઈન્ટ છે અને તેણે પાંચ સ્થાનનું નુકસાન થયું છે.
રેણુકા સિંહને રેન્કિંગમાં થયો ફાયદો
ભારતની રેણુકા સિંહે આઈસીસી મહિલા ટી20 રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. તે ચાર સ્થાનના ફાયદા સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં તેના 722 રેટિંગ પોઈન્ટ છે. મહિલા એશિયા કપમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટૂર્નામેન્ટમાં 7 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની સોફી એસ્ક્લેટન ટોપ પર છે જ્યારે દીપ્તિ શર્મા ત્રીજા સ્થાને છે. દીપ્તિના 755 રેટિંગ પોઈન્ટ છે.













