- ICCએ T-20 વર્લ્ડકપના શિડ્યૂલની કરી જાહેરાત
- અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝની મેજબાનીમાં રમાશે વર્લ્ડકપ
- ICCએ 3 શહેરના નામ જાહેર કર્યા
ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ 2023 શરૂ થશે, ત્યારે ICCએ વર્ષ 2024માં રમાનારા T-20 વર્લ્ડકપને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. આવતા વર્ષે જૂન મહિનામાં રમાનારી આ મેગા ઈવેન્ટમાં 20 ટીમ ભાગ લેશે. આ ઉપરાંત આ વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમવામાં આવશે. આ ઈવેન્ટ માટે ICCએ અમેરિકાના 3 શહેરના નામ ફાઈનલ કર્યા છે. જેમાં T-20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે.
અમેરિકાના 3 શહેરમાં રમાશે મેચ
ICCએ T-20 વર્લ્ડકપ 2024 માટે અમેરિકાના જે 3 શહેરની પસંદગી કરી છે, તેમાં ન્યૂયોર્ક ઉપરાંત ફ્લોરિડા અને ડલાસ સામેલ છે. પ્રથમ વખત USમાં આ મોટી ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ કાઉન્ટી અને ડલાસમાં ગ્રેડ પ્રેયરીમાં મેચ રમવામાં આવશે.
અમેરિકાના આ 3 શહેરના નામની જાહેરાત કરવા સાથે ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકા અમારા માટે મહત્વપૂર્ણ બજાર છે અને આ વેન્યૂ અમને દુનિયાની સૌથી મોટી રમત બજારમાં ઉતરવાની શાનદાર તક આપે છે. આનાથી અમને ક્રિકેટને વધુ વિસ્તાર આપવામાં મદદ મળશે. આનાથી અહીં હાજર ક્રિકેટ પ્રશંસકોને પણ ખુશી મળશે અને તેને વધુ મેચ જોવાની તક મળશે. અમે ડલાસ અને ફ્લોરિડાના મેદાનની ક્ષમતા વધારશું. આનાથી વધુ ફેન્સને ક્રિકેટ જોવાની તક મળશે.
ભારત-પાકિસ્તાન મેચ ન્યૂયોર્કમાં રમાશે
T-20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાનું આયોજન ન્યૂયોર્ક શહેરથી 30 કિમી દૂર સ્ટેડિયમમાં કરવામાં આવી શકે છે. આ 34 હજાર ક્ષમતાવાળું આઈજનહાવર પાર્ક છે. આ T-20 વર્લ્ડકપ રમનારી ટીમોની 5-5ના 4 ગ્રુપમાં વહેચણી કરવામાં આવી છે. જે બાદ ટોપ-2 પર રહેનારી દરેક ગ્રુપની ટીમ સુપર-8 માટે ક્વોલીફાઈ કરશે. જેની 4-4ના 2 ગ્રુપમાં વહેચણી કરવામાં આવશે. અહીં ટોપ-2 પર રહેનારી ટીમ પોતાના ગ્રુપથી સેમીફાઈનલમાં જગ્યા બનાવશે.