- ICC દ્વારા તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી
- ટેસ્ટ રેન્કિંગમાં શ્રીલંકાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
- ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત
ICC દ્વારા સમય સમય પર રેન્કિંગ અપડેટ કરવામાં આવે છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓના તાજેતરના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ICC દ્વારા બુધવારે નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. જેમાં શ્રીલંકાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ચટગાંવ ટેસ્ટ મેચ બાદ પ્લેયર રેન્કિંગમાં ફેરફાર થયો છે.
મેન્ડિસ અને મેથ્યુઝે લગાવી છલાંગ
શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ અને એન્જેલો મેથ્યુઝે ICC ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. મેન્ડિસે શ્રેણીમાં 92 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના કારણે તે બેટ્સમેનોની યાદીમાં 18 સ્થાનની છલાંગ લગાવીને 46મા સ્થાને પહોંચી ગયો છે. તેના 533 રેટિંગ પોઈન્ટ છે. મેન્ડિસે બોલિંગમાં પણ પોતાની પ્રતિભા દેખાડી હતી. તેણે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ કારણે તે બોલરોની રેન્કિંગમાં 46 સ્થાનની છલાંગ લગાવી છે. એન્જેલો મેથ્યુઝની વાત કરીએ તો, તે 23 અને 56ના સ્કોર બાદ બે સ્થાન આગળ વધીને 25માં સ્થાને છે. તેના 639 રેટિંગ પોઈન્ટ છે. પ્રથમ દાવમાં 93 રન બનાવ્યા બાદ શ્રીલંકાના ખેલાડી કુસલ મેન્ડિસે 520 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે.
ભારતીય ખેલાડી કયા નંબરે છે?
ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા ટોપ-10માં પાંચમા, યશસ્વી જયસ્વાલ છઠ્ઠા અને વિરાટ કોહલી નવમા સ્થાને છે. જ્યારે બોલરોની રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન ટોપ પર છે. જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા સાતમા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગની વાત કરીએ તો બે ભારતીય સ્ટાર્સ ટોપ પર છે. રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. અક્ષર પટેલે ટોપ-10માં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.