• ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી
  • યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં
  • યશસ્વી જયસ્વાલના ટેસ્ટ રેન્કિંગમાં 727 પોઈન્ટ

ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામે શાનદાર ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પાસે પણ જયસ્વાલની બેટિંગનો કોઈ તોડ નથી. તે આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. બુધવારે ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. તેણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને ટોપ-10માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રાંચી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર ફિફ્ટી ફટકાર્યા બાદ તેને ટેસ્ટ રેન્કિંગમાં તેનો ફાયદો થયો છે. જ્યારે ટોપ-10માં ભારતના માત્ર બે બેટ્સમેન છે.

યશસ્વી જયસ્વાલ ટોપ-10માં

ભારતના ભરોસાપાત્ર ટેસ્ટ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં કમાલ કરી છે. ભારત અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો જ્યાં સંઘર્ષ કરી રહ્યા છે તે જ પીચો પર યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં બે બેવડી સદી ફટકારી છે. આ સાથે યશસ્વી જયસ્વાલ તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને 10મા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે 12મા સ્થાને હતો. યશસ્વી જયસ્વાલના હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં 727 પોઈન્ટ છે.

રેન્કિંગમાં રોહિત શર્માનો ફાયદો

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. રોહિત ટેસ્ટ રેન્કિંગમાં 2 સ્થાનની છલાંગ લગાવીને 13માથી 11મા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જ્યારે રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 14માં સ્થાન પર યથાવત છે. જ્યારે ગિલ 31મા સ્થાને છે.

વિરાટને એક સ્થાનનો ફાયદો

ઈંગ્લેન્ડ સામે એક પણ ટેસ્ટ મેચ ન રમી હોવા છતાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આ વખતે વિરાટ કોહલીને લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં 1 સ્થાનનો ફાયદો થયો છે. વાસ્તવમાં, આ પહેલા વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં 9મા સ્થાને હતો. જ્યારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 744 પોઈન્ટ સાથે 8 સ્થાને પહોંચી ગયો છે.

કેન વિલિયમસન ટોચ પર

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન કેન વિલિયમસન ફરી એકવાર ટોચના સ્થાને યથાવત છે. વિલિયમસનના હાલમાં 870 પોઈન્ટ છે. જ્યારે બીજા સ્થાન પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથનો કબજો છે. ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ 768 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

  • Follow us on: