- આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે મેચ
- અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો
અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. શુભમન ગિલની બીમારીના કારણે ભારતીય ટીમ પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, ગિલ કઈ મેચમાં વાપસી કરશે. આ તમામ વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત થયો છે. રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ છે.
ઈજા બાદ રોહિતે પ્રેક્ટિસ છોડી દીધી
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલાં ભારતીય કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરતા હતા. રોહિત શર્મા પણ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, પરંતુ તે પછી તેને પીઠમાં ઈજા થઈ હતી. આ કારણે તેણે પ્રેક્ટિસ છોડી દેવી પડી હતી. જો કે, થોડો સમય આરામ કર્યા બાદ રોહિત ફરીથી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ડેન્ગ્યૂના કારણે ગિલ બહાર થયા બાદ જો રોહિત પણ ઈજાગ્રસ્ત થાય છે તો તે ભારત માટે મોટો ઝટકો સાબિત થશે. ભારતના બંને ઓપનરોની ગેરહાજરી ભારતની બેટિંગ લાઈનઅપને નબળી બનાવી શકે છે.
ફેન્સને લાગી શકે ઝટકો
ભારતે વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે એકતરફી જીત મેળવી હતી. જો કે, શરૂઆતમાં મેચ ખૂબ જ રોમાંચક લાગી રહી હતી, પરંતુ આખરે ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ભારત બીજી મેચ પણ જીતીને વર્લ્ડકપ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કરવાનો પ્રયાસ કરશે. કરોડો ભારતીય ફેન્સને આશા કરી રહ્યા છે કે, રોહિત શર્મા સુરક્ષિત છે અને મેચમાં ઓપનિંગ કરતા જોવા મળશે.