- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
- ટીમ ઈન્ડિયામાં કરવામાં આવ્યો ફેરફાર
વર્લ્ડકપ 2023માં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતીય ટીમ બોલિંગ કરી રહી છે.
અફઘાનિસ્તાને પ્લેઈંગ ઈલેવનમાં ન કર્યો ફેરફાર
અફઘાનિસ્તાને આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ પણ અફઘાન ટીમ કમિટિએ તે પ્લેઈંગ ઈલેવન સાથે મેચ રમવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ આજની મેચમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આજની મેચમાં તક આપવામાં આવી નથી. અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનના કેપ્ટને શું કહ્યું?
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, અમે પહેલાં બેટિંગ કરશું. આ એક સારી બેટિંગ વાળી પિચ દેખાઈ રહી છે. અમે બેટિંગ સાથે વાપસી કરશું. જે બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનને રોકવાનો પ્રયાસ કરશું. અમે ગત મેચની પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાનમાં ઉતરશું.
ભારતના કેપ્ટને શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે બીજી ઈનિંગમાં પ્રથમ બેટિંગ કરવાનું વિચાર કરતા હતા. મને લાગે છે કે, પિચમાં કોઈ ફેરફાર થશે. અમારે સારી બોલિંગ કરવી પડશે. જે બાદ બેટથી પણ સારૂં પ્રદર્શન કરવું પડશે. અમારી ટીમમાં આજે અશ્વીનને બદલે શાર્દુલ ઠાકુર રમશે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
અફઘાનિસ્તાન- રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર),ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ