- પ્રથમ વનડેમાં ભારતની 5 વિકેટથી જીત
- ભારત માટે સૂર્યકુમાર યાદવે ફટકારી ફિફ્ટી
- 19 મહિના બાદ સૂર્યકુમાર યાદવે ફટકારી ફિફ્ટી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપ 2023 પહેલાં થઈ રહેલી 3 મેચની વનડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવીને 1-0થી સીરિઝમાં લીડ મેળવી છે. પ્રથમ મેચમાં ભારત માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, સૂર્યકુમાર યાદવે ફોર્મમાં વાપસી કરી છે. આ મેચમાં સૂર્યાએ 49 બોલમાં 50 રન કર્યા છે. આ ઈનિંગ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવે ક્યાં ભૂલ થતી હતી, તે અંગે વાત કરી હતી.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત બાદ પોતાની બેટિંગ અંગે કહ્યું કે, મેં જ્યારથી આ ફોર્મેટમાં રમવું શરૂ કર્યું, ત્યારથી હું આ પ્રકારની ઈનિંગની કલ્પના કરતો હતો. જો કે, આજે હું આ મેચમાં અંત સુધી રમી શક્યો નહીં, પરંતુ હું મારા પ્રદર્શનથી ખુશ છું.
સૂર્યાએ જણાવી પોતાની ભૂલ
પોતાની ભૂલ અંગે વાતચીત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે, મેં એ વાતને સમજી કે, હું બેટિંગમાં ઉતાવળ કરતો હતો. મેં આ મેચમાં થોડું ધીમે રમવા સાથે અંત સુધી રમવાનો પ્રયા કર્યો હતો. મને લાગે છે કે, આ પ્રથમ વખત છે, જ્યારે મેં કોઈ મેચમાં સ્વીપ શોટ માર્યો નથી. હું આ જ પ્રકારે આગળ પણ બેટિંગ કરીશ અને અંત સુધી રમીને ટીમને જીત અપાવીશ.
વનડેમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન
વનડે ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી 28 મેચ રમ્યો છે. આ દરમિયાન 26 ઈનિંગમાં સૂર્યાએ 25.52ની એવરેજ સાથે 587 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવના નામે 3 ફિફ્ટી પણ છે. જેમાં સૂર્યાનો સૌથી વધુ સ્કોર 64 રન છે. સાથે T-20 આંતરરાષ્ટ્રીયમાં વર્લ્ડ નંબર વન ખેલાડી સૂર્યકુમાર યાદવના બેટથી અત્યાર સુધી 15 ફિફ્ટી અને 3 સદી જોવા મળી છે.