- આજથી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સીરિઝ રમાશે
- બંને ટીમો 147મી વનડે માટે આમને-સામને થશે
- અત્યાર સુધીમાં ભારત 54 મેચો જીત્યું છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ODI સીરિઝ રમાશે. ODI વર્લ્ડ કપ 2023 પહેલા ભારતની આ છેલ્લી સીરિઝ છે. આ સીરિઝ દ્વારા ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. જોકે, નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત કેટલાક સ્ટાર અને સિનિયર ખેલાડીઓને સીરિઝની પહેલી બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચોમાં અત્યાર સુધી કોનું પલડું ભારે છે.
ભારત vs ઓસ્ટ્રેલિયા ODI હેડ ટુ હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 146 ODI મેચ રમાઈ છે. આજે બંને ટીમો 147મી વનડે માટે આમને-સામને થશે. જ્યારે 146 મેચોમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ પર ભારે પ્રભુત્વ દર્શાવ્યું છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ 82 મેચ જીતી છે જ્યારે ભારતે 54 મેચ જીતી છે. બંને વચ્ચે કુલ 10 મેચ અનિર્ણિત રહી છે.
ભારત આ વર્ષની શરૂઆતમાં સીરિઝ હારી ગયું હતું
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષે માર્ચ મહિનામાં ઘરઆંગણે વનડે સિરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં રમાયેલી સીરિઝની પ્રથમ મેચમાં ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. આ પછી, વિશાખાપટ્ટનમમાં સીરિઝની બીજી મેચ અને ચેન્નાઈમાં સીરિઝની ત્રીજી મેચમાં, ભારતને અનુક્રમે 10 વિકેટ અને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ બે વનડે માટે ભારતની ટીમ
રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ODI સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન અલિસ, કૈમરન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.